બોંબ વિસ્ફોટમાં ઘાયલ લોકોને કાબુલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ASVAKA NEWS/via REUTERS

કાબુલના એરપોર્ટ પર ગુરુવારે સાંજ બે આત્મઘાતી બોંબ વિસ્ફોટ અને ફાઇરિંગમાં અમેરિકાના 13 સૈનિક સહિત ઓછામાં ઓછા 85 લોકોના મોત થયો હતા અને અનેક ઘાયલ થયા હતા. આઈએસના બે આત્મઘાતી હુમલાને પગલે કાબુલ એરપોર્ટ પર ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. આઈએસના હુમલાખોરોએ એરપોર્ટ બહાર ઊભા રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર પણ કર્યો હતો. આઈએસઆઈએસ-ખુરાસન અમેરિકા અને તાલિબાનોની શાંતિ વાટાઘાટોનું વિરોધી છે.

આરોગ્ય અધિકારી અને તાલિબાન અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં અફઘાન મૃતકોની સંખ્યા વધીને 72 થઈ છે, જેમાં 28 તાલિબાનનો સમાવેશ થાય છે. અમેરિકાની મિલિટરીએ જણાવ્યું હતું કે તેના 13 સૈનિકોના મોત થયા છે અને 15 ઘાયલ થયા હતા.કાબુલ એરપોર્ટથી તમામ ફ્લાઈટનું ઓપરેશન બંધ કરી દેવાયું હતું. પેન્ટાગોને આતંકી સંગઠન ISIS ખુરાસન પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.

અમેરિકા સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને કહ્યું હતું ગુરુવારે હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટના અબ્બે ગેટ પર પહેલો બ્લાસ્ટ થયો, જેના થોડા સમય પછી એરપોર્ટ નજીક બૈરન હોટલની પાસે બીજો બ્લાસ્ટ થયો. પેન્ટાગોન મુજબ, એરપોર્ટની બહાર ત્રણ સંદિગ્ધ જોવા મળ્યા હતા, જેમાંથી બે આત્મઘાતી હુમલાખોર હતા, જ્યારે ત્રીજો ગન લઈને આવ્યો હતો. કાબુલ એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વિસ્ફોટના ધડાકાઓને પગલે ભાગદોડ જોવા મળી હતી. મૃત્યુઆંક હજુ વધુ એવી શક્યતા છે.

અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયાએ આપેલી ચેતવણી વચ્ચે ગુરુવારે રાત્રે કાબુલ એરપોર્ટ બહાર આઈએસના બે આત્મઘાતી હુમલા થયા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અગાઉ અમેરિકાએ આઈએસનું આતંકી સંગઠન આઈએસઆઈએસ- ખુરાસન (કે) કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યું હોવાની ચેતવણી આપી હતી. દરમિયાન આઈએસઆઈએસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. બીજીબાજુ તાલિબાનોએ ગુરુવારે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ હામિદ કારઝાઈ, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અબ્દુલ્લા અબ્દુલ્લાને નજરકેદ કર્યા હતા.

અમેરિકા, બ્રિટન, ભારત સહિત વિશ્વના અનેક દેશો યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી તેમના નાગરિકો સહિત હજારો લોકોને કાબુલ એરપોર્ટ પરથી એરલીફ્ટ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે અને તાલિબાનોના શાસનના ભયથી હજારો અફઘાન નાગરિકો દેશ છોડવા કાબુલ એરપોર્ટ બહાર એકત્ર થયા છે ત્યારે અમેરિકન પ્રમુખ જો બાઈડેને અગાઉથી જ કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની ચેતવણી આપી હતી. અમેરિકાની આ ચેતવણી ગુરુવારે રાત્રે સાચી પડી હતી.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા પછી ચારેબાજુ અરાજક્તાનું વાતાવરણ છે. અમેરિકા અને યુરોપના દેશો તેમને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢશે એવી આશામાં હજારો લોકો કાબુલ એરપોર્ટની બહાર એકત્ર થયા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને હુમલાને બર્બર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ખાલી કરાવવાની કામગીરી ઝડપથી ચાલુ રાખવાની જરૂર છે.