–     બાર્ની ચૌધરી અને સરવર આલમ દ્વારા

આગામી સ્પ્રિંગથી વાર્ષિક £38,700ની કમાણી કરી શકતા લોકો જ પોતાના જીવનસાથી કે પરિવારના સભ્યોને તેમની સાથે વસવાટ માટે યુકે લાવી શકશે તેવા સરકારના “ક્રૂર અને અમાનવીય” કાયદાને કોર્ટમાં પડકારવા માટે કાનૂની કાર્યવાહીનું આયોજન કરાઇ રહ્યું છે. સરકારના આ નિર્ણય સામે ચારે કોરથી વિરોધ ઉભો થયો છે. સરકાર પર ઇમિગ્રેશનના આંકડામાં ઘટાડો કરવાના હેતુસર બ્રિટિશ એશિયન પરિવારોને “ઇરાદાપૂર્વક લક્ષ્ય” કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી દ્વારા જાહેર કરાયેલા આ ફેરફારોને કોર્ટમાં પડકારવા ઈમિગ્રેશન નિયમોથી પ્રભાવિત લોકો માટે કામ કરતી સંસ્થા ‘રિયુનાઈટ ફેમિલીઝ’એ લૉ ફર્મ ‘લેઈ ડે’ને સૂચના આપી છે. બ્રિટનમાં રહેતા સેંકડો લોકોનું જીવન નવા નિયમોથી ઉલટ-પલટ થવાનું હોવાથી કોર્ટમાં લડી લેવા માટે કાયદાકીય માર્ગો શોધવા કમર કસવામાં આવી રહી છે.

કમાણીના થ્રેશોલ્ડમાં વધારો કરવાના કારણે બ્રિટીશ એશિયન્સ અને પીઆર ધરાવતા ઘણા લોકોને અલગ રહેવાની અથવા સાથે રહેવા માટે બ્રિટન છોડવાની ફરજ પડી શકે છે. આવા હજારો પરિવારોને સરકારના આ નિયમોથી અસર થઇ રહી હોવાથી બ્રિટનના બિઝનેસીસ, આરોગ્ય સાથે સંકળાયેલા લોકોમાં સજ્જડ વિરોધ ઉભો થયો છે.

વડા પ્રધાન ઋષિ સુનકે તા. 15ના રોજ જણાવ્યું હતું કે સરકાર બ્રિટિશ નાગરિકો વિદેશી જીવનસાથીને લાવી શકે તે માટે “ટ્રાન્ઝીશનલ વ્યવસ્થાઓ” પર વિચાર કરી રહી છે.

હોમ સેક્રેટરી ક્લેવર્લીએ કહ્યું છે કે ‘’જે લોકો દેશમાં પ્રવેશવા લાઇન કુદવાનો પ્રયાસ કરે છે અને અમારી ઇમિગ્રેશન સિસ્ટમનું શોષણ કરવાનો પ્રયાસ કરે છે તેના પર આકરા પગલા લેવાના ભાગ રૂપે આ પગલાની જાહેરાત કરવામાં આવી હતી. નવા પગલાં તે સંખ્યાને 300,000 સુધી ઘટાડી શકે છે.’’ જો કે, સરકારી બ્રીફિંગ અનુસાર, ફેમિલી વિઝામાં ફેરફારથી તે સંખ્યામાં માત્ર 10,000નો ઘટાડો થશે.

ઇમિગ્રેશન મિનિસ્ટર ટોમ પર્સગ્લોવે આ અઠવાડિયાની શરૂઆતમાં જણાવ્યું હતું કે સરકાર આ પગલાંને “પૂર્વવર્તી રીતે” લાગુ કરવાનો ઇરાદો ધરાવતી નથી પરંતુ વધુ સ્પષ્ટતા આપવાનો ઇનકાર કર્યો હતો.

હોમ ઑફિસના પ્રવક્તાએ કહ્યું: “અમારી પાસે લાંબા સમયથી ચાલતો સિદ્ધાંત છે કે જે કોઈ પણ આશ્રિતોને યુકેમાં રહેવા માટે લાવે છે તે તેમને આર્થિક રીતે ટેકો આપવા તેઓ સક્ષમ હોવા જોઈએ. લઘુત્તમ આવકની જરૂરિયાત એ સુનિશ્ચિત કરે છે કે પરિવારો જાહેર ભંડોળ પર આધાર રાખવાને બદલે આત્મનિર્ભર છે.’’

રિયુનાઈટ ફેમિલીઝના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ કેરોલાઇન કોમ્બ્સે જણાવ્યું હતું કે, “મેં આપણા સમુદાયને આટલો અસ્વસ્થ ક્યારેય જોયો નથી. આ થ્રેશોલ્ડ હજારો બ્રિટિશ નાગરિકો અને તેમના પ્રિયજનો માટે ભયંકર આંચકો છે. ક્રિસમસ પહેલા તેને જાહેર કરવું અને લોકોને કોઈ વિગતો વિના છોડી દેવા એ એકદમ ક્રૂર છે. અમે લેઈ ડેને સંભવિત કાનૂની માર્ગો અંગે સલાહ આપવા માટે સૂચના આપી છે. હાલમાં પોલિસીની માહિતીના સંપૂર્ણ અભાવને જોતાં, અમે પ્રથમ પગલા તરીકે આ નીતિ બાબતે હોમ સેક્રેટરી પાસેથી વધુ વિગત માંગી રહ્યા છીએ. કાયદાકીય પડકાર તરીકે યુકે સરકારને પૂછાશે કે કાયમી રહેવાસીઓ માટે લઘુત્તમ પગાર મર્યાદા વધારીને £38,700ની કઇ રીતે નક્કી કરાઇ? શું આ ફેરફાર 70 વર્ષ જૂના યુરોપિયન કન્વેન્શન હેઠળ કૌટુંબિક જીવનના અધિકારમાં દખલ કરે છે ખરો? જે માનવાધિકારનો મુસદ્દો બનાવવામાં યુકેએ મદદ કરી હતી અને તેની સાથે હજુ પણ બંધાયેલ છે.”

નવા વિશ્લેષણ દર્શાવે છે કે થ્રેશોલ્ડ બમણુ થવાનો અર્થ છે કે યુકેના મોટાભાગના લોકો હવે વિદેશી જીવનસાથી સાથે રહેવા માટે પૂરતી કમાણી કરશે નહીં અને દેશના 60 ટકાથી વધુ લોકોને તે પરવડી શકશે નહીં.

આર્કબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ હાઉસ ઓફ લોર્ડ્સને જણાવ્યું હતું કે “વિવાહિત અને પારિવારિક સંબંધો પર આની નકારાત્મક અસર વિશે હું ચિંતિત છું.’’

હેરો વેસ્ટના એમપી ગેરેથ થોમસ

હેરો વેસ્ટના એમપી ગેરેથ થોમસે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “એવું લાગે છે કે મારા મતવિસ્તારમાં રહેતા ભારતીય અથવા પાકિસ્તાની પૃષ્ઠભૂમિના પરિવારોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. જાણે કે તેમને કહેવાય છે કે જો તેઓ દર વર્ષે લગભગ £40,000 કમાતા ન હોય તો તેઓ બીજા દેશના કોઈના પ્રેમમાં ન પડી શકે. સરકારનું આ અસાધારણ પગલું છે અને તે એવા લોકોને દંડ કરશે જેઓ આપણા દેશ અને આપણા સમુદાય માટે વાસ્તવિક હકારાત્મક તફાવત લાવે છે. મને આશ્ચર્ય છે કે આ નીતિને માઇગ્રેશન એડવાઇઝરી કમીટી (MAC) દ્વારા જોવામાં આવી ન હતી. લોકોના જીવન પર નોંધપાત્ર અસર થવાની સંભાવના હોય તેવી બાબતની યોગ્ય રીતે તપીસ કરાવી સ્વતંત્ર વિચારકોની મદદ લેવી જોઇએ. ખરેખર તો તેમણે હોમ ઑફિસમાં ઇમિગ્રેશન પર સખત પ્રયાસ કરવા અને જોવા માટે આ નીતિ ઘડી હતી, અને વાસ્તવમાં તે ભારે નુકસાન કરશે.’’

JCWI ના કેમ્પેઇન અને નેટવર્ક મેનેજર મેરી એટકિન્સન

ધ જોઈન્ટ કાઉન્સિલ ઓફ વેલ્ફેર ઓફ માઈગ્રન્ટ્સ (JCWI) ના કેમ્પેઇન અને નેટવર્ક મેનેજર મેરી એટકિન્સને ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’આ નીતિ બ્રિટિશ એશિયનો સામે હેતુપૂર્વક ભેદભાવપૂર્ણ હતી. સરકારે 2012માં જ્યારે નીતિ લાવવા વિશે વિચારતા હતા ત્યારે ઇમ્પેક્ટ એસેસમેન્ટનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે વિવિધ વંશીય જૂથોની સરેરાશ કમાણી જોઈ હતી. જેમાં  સરેરાશ શ્વેત માણસે તે થ્રેશોલ્ડથી ઉપર આરામથી કમાણી કરી. પરંતુ અન્ય પૃષ્ઠભૂમિના પુરુષો, ખાસ કરીને બાંગ્લાદેશી અને પાકિસ્તાની મૂળના પુરુષો અને તમામ વંશીયતાના પુરુષો અને સ્ત્રીઓ થ્રેશોલ્ડથી ઉપર કમાતા ન હતા. સરકારને સમજાયું હતું કે તેના કારણે આ સમુદાયો પર ભેદભાવપૂર્ણ અસર થશે પરંતુ તે માઇગ્રેશન કંટ્રોલના કાયદેસરના ઉદ્દેશ્યને અનુસરવા માટે પ્રમાણસર હતું. સમાનતા અધિનિયમ હેઠળ તમને ભેદભાવ કરવાની છૂટ છે જો તે કાયદેસરનો ઉદ્દેશ્ય હોય અને તમે તેને અનુસરી રહ્યાં છો. તે નીતિની રચનામાં લખાયેલું છે કે તે સ્પષ્ટપણે જાતિવાદી અને સેક્સીસ્ટ છે.”

એટકિન્સને કહ્યું હતું કે “માઇગ્રન્ટ્સનો દાયકાઓથી બલિના બકરા તરીકે ઉપયોગ થાય છે. નવા આવનારાઓ તરફ આંગળી ચીંધવી અને કહેવું સહેલું છે કે તેઓ સમસ્યા છે. પરંતુ મોંઘવારી અને NHSનું વેઇટીંગ સીલ્ટ સ્થળાંતરને કારણે થતા નથી. સામે પક્ષે NHS વર્કફોર્સમાં માઇગ્રન્ટ્સનું પ્રતિનિધિત્વ છે. આ સમસ્યાઓનું કારણ ગેરવહીવટ અને વિભાજનકારી નીતિઓ છે જે આપણા બધાને અસર કરે છે.”

તો મારે બાંગ્લાદેશ પાછું જવુ પડશે: શહાનારા બેગમ

પતિને યુકેમાં લાવવા લગભગ એક વર્ષથી બે નોકરીઓ કરતા ટાવર હેમલેટ્સની બે સંતાનોની માતા શહાનારા બેગમ કહે છે કે “મારા પતિ બાંગ્લાદેશમાં લેક્ચરર અને એકાઉન્ટન્ટ છે. પરંતુ યુકે સરકારને તેનાથી કોઈ ફરક પડતો નથી. હકીકત એ છે કે તે અહિ આવીને મને મદદ કરી શકે છે અને દેશ પર સકારાત્મક અસર કરી શકે છે. મારા બાળકો મને જોઈ શકતા નથી. હું ફક્ત £21,000ની કમાણી કરવા વિશે વિચારૂ છું. હવે હું વાર્ષિક £40,000 કેવી રીતે કમાઈશ! સરકાર મારા પરિવારને તોડી રહી છે. મારા બાળકો તેમના પિતાને જોઇ શકતા નથી. હવે આવું કેટલા સમય માટે હશે તે મને ખબર નથી. પણ હું ક્યારેય વાર્ષિક £40,000 કમાઇ શકવાની નથી.’’

ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ અબુ બશીર

બ્રેડફર્ડમાં ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા અબુ બશીરે જણાવ્યું હતું કે ‘’મને બેગમ જેવી જ પરિસ્થિતિ ધરાવતા લોકોના ઘણા ફોન આવી રહ્યા છે. ખાસ કરીને બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન જેવા ગરીબ સમુદાયોમાં મોટો ગભરાટ છે, કારણ કે તેમની આવકનું સ્તર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણું ઓછું છે. તેમની સરેરાશ વાર્ષિક આવક £18થી £20,000ની હશે. મોટા ભાગના લાયકાત ધરાવતા ન હોવાથી તેમને £30,000 અને તેથી વધુની ઉચ્ચ પગારવાળી નોકરી મળવાની શક્યતા નથી. તેનો અર્થ એ કે તેઓ ક્યારેય તેમના જીવનસાથી અથવા બાળકોને યુકેમાં લાવી શકશે નહીં. જો કે મેં વતન સાઉથ એશિયાના જીવનસાથીઓ સાથે લગ્ન કરનારા બ્રિટીશ લોકોની સંખ્યામાં વર્ષોથી ઘટાડો જોયો છે, પરંતુ હજુ પણ ખાસ કરીને એરેન્જ્ડ લગ્ન સામાન્ય પ્રથા છે. પણ વ્યક્તિ બાળકો અથવા પત્ની સાથે ન રહી શકે તે ખરેખર ક્રૂર છે. આ પ્રકારની નીતિ, આધુનિક યુગમાં, સંભવતઃ અસ્તિત્વમાં નથી.”

BAPIOએ હોમ સેક્રેટરીને પત્ર લખ્યો

લગભગ 80,000 ડૉક્ટરો અને ભારતીય મૂળના 55,000 નર્સો માટે યુકેની સૌથી મોટી પ્રતિનિધિ સંસ્થા બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ ઇન્ડિયન ઑરિજિન (BAPIO)એ તા. 13ના રોજ હોમ સેક્રેટરીને પત્ર લખીને વિદેશી કેર વર્કર્સ પર નવા નિયમો કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેની સ્પષ્ટતાની માંગ કરી છે. આશ્રિતોને યુકેમાં લાવવાથી રોકવા માટેની યોજનાઓ વિશે વાંચવું અમારા સભ્યો માટે ખૂબ જ ચિંતાજનક અને દુઃખદાયક હતું. તેનાથી તેમની માનસિક અને શારીરિક સુખાકારી પર નોંધપાત્ર હાનિકારક અસર પડશે જેના પરિણામે દર્દીઓની સંભાળની ગુણવત્તા ઓછી થાય છે.’’

બેન બ્રિન્ડલ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની માઈગ્રેશન ઓબ્ઝર્વેટરીના રીસર્ચર

ઓક્સફર્ડ યુનિવર્સિટીની માઈગ્રેશન ઓબ્ઝર્વેટરીના રીસર્ચર બેન બ્રિન્ડલે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “અસરગ્રસ્ત લોકોની સંખ્યા કદાચ મોટી ન હોઈ શકે પરંતુ તેનાથી પ્રભાવિત લોકો પર તે ચોક્કસપણે નાટકીય અસર કરી શકે છે. પહેલા જૂના થ્રેશોલ્ડથી ઉપરની કમાણી કરતા લોકોની સંખ્યા વસ્તીના 75 ટકાથી વધુ હતી પણ હવે તે 30 ટકા છે. આ કાયદાથી જેમના જીવનસાથીઓ પહેલાથી જ અસ્થાયી વિઝા પર યુકેમાં છે તેઓ નવા વિઝા અથવા કાયમી રહેઠાણ માટે ફરીથી અરજી કરશે ત્યારે લઘુત્તમ આવક થ્રેશોલ્ડથી નીચે આવશે.’’

સરકારે શરૂઆતમાં કહ્યું હતું કે નવો નિયમ યુકેમાં પહેલાથી જ વિઝા માટે ફરીથી અરજી કરી રહેલા લોકોને પણ આવરી લેશે.

બ્રેડફર્ડ વેસ્ટના સાંસદ નાઝ શાહ

બ્રેડફર્ડ વેસ્ટના સાંસદ નાઝ શાહે ’ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ’’આ પરિવર્તનથી લોકો નિયત તારીખ પહેલાં લગ્ન કરવા માટે ઉતાવળ કરશે. ઘણાને ચિંતા થશે કે શું તેઓ ક્યારેય યુકેમાં તેમના જુવનસાથી સાથે મળીને રહી શકશે કે કેમ”.

લેબર સાંસદ ટેન ઢેસી

લેબર સાંસદ ટેન ઢેસીએ ’ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’ફેમિલી વિઝા માટે પગાર થ્રેશોલ્ડમાં વધારો એ સરકારની નિષ્ફળતાનો સ્વીકાર છે. મને આઘાત લાગ્યો છે કે ટોરીઝે આવકની મર્યાદા બમણા કરતાં વધુ કરી છે, જે મારા સ્લાઉના ઘણા લોકોને નકારાત્મક અસર કરશે. એવું લાગે છે કે આ નિષ્ઠુર સરકારના કારણે પ્રેમની કિંમત ચૂકવે છે! વર્ક વિઝામાં નોંધપાત્ર વધારો કુશળતા, પગાર અને શરતોમાં લાંબા ગાળાની નિષ્ફળતાને પ્રતિબિંબિત કરે છે – તે આ કન્ઝર્વેટિવ સરકારની જવાબદારી છે. ઇમિગ્રેશન બ્રિટન માટે મહત્વપૂર્ણ છે અને તેણે આપણા સમાજમાં ખૂબ જ સકારાત્મક યોગદાન આપ્યું છે, પરંતુ સિસ્ટમને ન્યાયી, નિયંત્રિત અને સારી રીતે સંચાલિત કરવાની જરૂર છે. કન્ઝર્વેટિવ્સ હેઠળ તે સિસ્ટમ તૂટી ગઈ છે અને કામ કરતી નથી.’’

LEAVE A REPLY

3 × three =