બ્રેક્ઝિટ પછી બ્રિટન તેના વર્કફોર્સની અછતને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓમાં ગત માર્ચ સુધીના છેલ્લા વર્ષમાં યુકેના વર્ક વિઝા મેળવવામાં ભારતીયો સૌથી વધુ મોખરે રહ્યા હોવાનું બહાર આવ્યું છે. યુકેમાં વિદેશી કામદારોને ઇસ્યુ કરાયેલા વર્ક વિઝામાં દર ત્રણ માઇગ્રન્ટ્સમાંથી એક ભારતીય હતો.

ધ ટાઇમ્સ અખબારે HM રેવન્યુ અને કસ્ટમ્સના ડેટાને ટાંકીને આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકન, ફિલિપિનો, નાઇજિરિયનો અને ઝિમ્બાબ્વેના લોકો ભારતીયો પછીના મોટા જૂથ હતા. ગયા વર્ષના ડિસેમ્બર સુધીમાં, બ્રિટનમાં યુરોપિયન યુનિયનની બહારના 2.55 મિલિયન કર્મચારીઓ કામ કરતા હતા. જેમાં EU દેશોમાં જન્મેલા કર્મચારીઓની સંખ્યા 220,000થી વધુ હતી. પરંતુ 2010 પછી પ્રથમ વખત ફેરફાર જોવા મળ્યો છે. 2020માં બ્રક્ઝીટ વખતે યુકેમાં EUના લોકોની સંખ્યા 2.3 મિલિયન અને બીજા દેશોના લોકોની સંખ્યા 1.9 મિલિયન હતી.

વિદેશી કર્મચારીઓનું મોટુ જૂથ હોસ્પિટાલિટી સેક્ટરમાં છે. જેમાં EUના 46,457 નાગરિકોની સરખામણીમાં નોન-EU કામદારોને 740,075 વર્ક વિઝા આપવામાં આવ્યા હતા.

ગત વર્ષના માર્ચ સુધીમાં બ્રિટિશ નાગરિકતા માટેની કુલ 200,362 અરજીઓમાંથી 152,755 અથવા 75 ટકા આરજીઓ નોન-EU દેશોમાંથી આવેલા માઇગ્રન્ટ્સની હતી. તેની સરખામણીમાં EUના લોકોની 47,607 અરજીઓ હતી જે માત્ર 23 ટકા થાય છે.

2000 ના દાયકામાં પોલેન્ડ, રોમાનિયા, બલ્ગેરિયા અને અન્ય દેશોમાંથી યુકે આવતા EU કામદારોની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો અને આ મુદ્દો જ EU છોડવા માટે યુકેના 2016 જનમત માટેનો મુખ્ય મુદ્દો બન્યો હતો. EU છોડવા માટે મત આપનારા ઘણા બ્રિટિશ લોકોએ તેમના નિર્ણયનું કારણ મોટુ માઇગ્રેશન અને જાહેર સેવાઓ પર દબાણ હોવાનું જણાવ્યું હતું.

મે મહિનામાં જાહેર થયેલા ડેટા મુજબ ગયા વર્ષે બ્રિટનમાં નેટ માઇગ્રેશન રેકોર્ડ 606,000 પર પહોંચ્યું હતું અને વડા પ્રધાન ઋષિ સુનકે આ સંખ્યાને “ખૂબ વધારે” ગણાવી હતી.

LEAVE A REPLY

thirteen + 9 =