અલ્ટ્રા-લો એમિશન ઝોન (ULEZ) ના વિસ્તરણ માટે લંડનના મેયર સાદિક ખાન પાસે “કાનૂની સત્તાનો અભાવ” છે એવી કન્ઝર્વેટિવ સંચાલિત પાંચ કાઉન્સિલો દ્વારા હાઇકોર્ટમાં દલીલ કરાઇ છે. હાલમાં ULEZ નોર્થ અના સાઉથ સર્ક્યુલર રોડને આવરી લે છે. પણ જો 29 ઑગસ્ટના રોજ આયોજન મુજબ વિસ્તરણ આગળ વધશે તો બકિંગહામશાયર, એસેક્સ, હર્ટફર્ડશાયર, કેન્ટ અને સરે સુધી ULEZ અમલી બનશે. જે હાલના તેના વર્તમાન કદથી ત્રણ ગણો વિસ્તાર હશે.

હાઈકોર્ટે સાંભળ્યું હતું કે, આઉટર લંડનમાં ULEZ ધોરણોનું પાલન કરતી 10માંથી નવ કાર પર કોઇ ચાર્જ ભરવો પડે તેમ નથી. આ ડેટા માત્ર 106 કેમેરા પર આધારિત હતો. આટલા ઓછા કેમેરાથી જે આંકડો મળ્યો છે તેને માની શકાય નહિં. હાલના યુલેઝ ઝોન જે ત્રણ ગણો નાનો છે તે “મિડલ રિંગ” માં 1,156 કેમેરા ડેટા એકત્ર કરી રહ્યાં છે.

કાઉન્સિલ માટે લડતા ક્રેગ હોવેલ વિલિયમ્સ કેસીએ જણાવ્યું હતું કે ઝોન વિસ્તરણની સાદિક ખાનની યોજના લંડન માટે “માસ્ટર ચાર્જિંગ સ્કીમ” બનાવવાની હતી. તો લેબર મેયરની કાનૂની ટીમે જણાવ્યું હતું કે આ યોજના “સંપૂર્ણપણે કાયદેસર” છે અને તે લંડનની હવાની ગુણવત્તામાં સુધારો કરશે.

હાલમાં ULEZ વિસ્તારમાં નોન-કમ્પ્લાયન્ટ કે વધુ પ્રદૂષિત વાહનોના ચાલકોએ £12.50નો દૈનિક ચાર્જ ચૂકવવો પડે છે. જો વાહનચાલકો તે ન ચૂકવે તો તેમને મહત્તમ £160 દંડનો સામનો કરવો પડે છે. પણ લોરી, બસો, કોચ અને હેવી વાન કે જે નોન-કમ્પલાયન્ટ છે તેમને માટે એક અલગ લો એમિશન ઝોન સ્કીમ અમલમાં છે અને તેમને £100 ચાર્જ કરવામાં આવે છે. આ ઝોન પહેલેથી જ મોટાભાગના લંડનને આવરી લે છે.

LEAVE A REPLY

20 − thirteen =