ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાયેલા મતદાનમાં આગ્રા ખાતે મતદાતાની લાંબી લાઇન જોવા મળી હતી. (ANI Photo)

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના સરેરાશ 60.17 ટકા મતદાન થયું હતું. 10 ફેબ્રુઆરીએ રાજ્યની કુલ 58 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 11 જિલ્લાઓમાંથી સૌથી વધારે શામલીમાં (66.14 ટકા), તે બાદ મુઝફ્ફરનગર (65.32 ટકા) અને મથુરામાં (62.90 ટકા) મતદાન નોંધાયું હતું. ગૌતમ બુદ્ધનગરમાં માત્ર 54.38 ટકા મતદાન નોંધાયું હતું. અને બાકીના ગાઝિયાબાદ (52.43 ટકા), મેરઠ (60 ટકા) અને આગ્રા (60.23 ટકા) જિલ્લાઓમાં ઓછું મતદાન નોંધાયું હતું. જો કે, કેટલીય જગ્યાઓએ ઈવીએમ ખોટકાઈ જવાના સમાચાર સામે આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે અને તેનું પરિણામ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં ગુરુવારે 10 ફેબ્રુઆરીના પ્રથમ તબક્કામાં બમ્પર વોટિંગ થયું હતું. પ્રથમ ફેઝમાં મુઝફ્ફરનગર, મેરઠ. બાગપત, ગાઝિયાબાદ, બુલંદશહેર, શામલી, હાપુડ, ગૌતમબુદ્ધનગર, અલીગઢ, મથુરા અને આગ્રાની 58 સીટો પર મતદાન થયું હતું. મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું.