UP Prime Minister Yogi Adityanath
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો) (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

ઉત્તરપ્રદેશ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (UPTET)નું પ્રશ્નપત્ર ફૂટી જતાં રવિવારે યોજાનારી આ પરીક્ષાને છેલ્લી ઘડીએ રદ કરવી પડી હતી. આ પરીક્ષા ચાલુ થવાનો થોડો સમય બાકી હતો, ત્યારે જનરલ લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડિરેક્ટર પ્રશાંત કુમારે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. યુપીની આ પરીક્ષામાં આશરે 19.99 લાખ ઉમેદવારો બેસવાના હતા.
યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ગુનેગારો સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા અને ગેંગસ્ટર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. પેપર લીકેજમાં સંડોવાયેલા લોકોની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. તેમણે એક મહિનામાં ફરી પરીક્ષા યોજવાનો આદેશ આપ્યો હતો.

પ્રશાંત કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ યુપીના વિવિધ શહેરોમાં ટેકનિકલ અને બીજી ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ગઈ રાત્રે 23 વ્યક્તિની ધરપકડ કરી હતી. પેપર લીકેજ કેસમાં લખનૌમાંથી ચાર, પ્રયાગરાજમાંથી 13, મેરઠમાંથી ત્રણ અને કૌશાંબી જિલ્લામાં એકની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પ્રશ્નપત્રની ફોટોકોપી જપ્ત કરવામાં આવી હતી. આ ફોટોકોપીની સરકારના પેપર સાથે સરખામણી કરવામાં આવી હતી. તેનાથી જાણકારી મળી હતી કે પરીક્ષામાં જે પ્રશ્નપત્રો હતા, તે જ ફોટોકોપી પણ હતી.

કુમારે જણાવ્યું હતું કે આ પછી તરત સરકારે એક્ઝામ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે આગામી એક મહિનામાં પરીક્ષા યોજવામાં આવશે. નવેસરથી લેવાનારી પરીક્ષાનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. ઉમેદવારોએ પરીક્ષા ફી ચુકવવાની કે નવેસરથી ફોર્મ ભરવાની જરૂર નથી. આ ઉપરાંત ઉમેદવારોને પોતાના ઘરે પરત મોકલવા માટે યુપી રાજ્ય પરિવહન નિગમની બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડને આધારે બસમાં બેસાડવામાં આવ્યા હતા અને કોઇ ભાડુ લેવામાં આવ્યું ન હતું.