નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (PTI Photo)

કોરોનાના નવા વેરિયન્ટને કારણે ભારત સરકારે દેશમાં આવતા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સ માટે ટ્રાવેલ ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. આ નવી ગાઇડલાઇન્સ પહેલી ડીસેમ્બરથી અમલી બનશે. સરકારે “કંટ્રીઝ એટ-રીસ્ક”માંથી આવતા ટ્રાવેલર્સ માટે આગમન પછી તરત જ કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. ભારતે બ્રિટેન સહિત યુરોપના તમામ દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, ઝિમ્બાબ્વે, હોંગકોંગ, ઈઝારયેલ સહિતનાં દેશોને રીસ્ક ઝોનમાં ગણાવ્યા છે.

ભારતનો પ્રવાસ કરતાં પહેલા આ દેશોમાંથી આવતા ટ્રાવેલર્સે RT-PCR રીપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે અને સાથે-સાથે ભારતમાં આવતા પહેલાના 14 દિવસ પોતે ક્યાં હતા, તે યાત્રાની વિગતો પણ આપવી પડશે. કોરોનાનો રીપોર્ટ ઓથેન્ટિક હોવા અંગે એક ડિક્લેરેશન પણ આપવું પડશે. ખોટો રીપોર્ટ હશે તો ગુનાહિત કાર્યવાહી થશે.

નવા વેરીઅન્ટની ઝપટમાં આવેલાં દેશોનાં યાત્રીઓના આગમન બાદ કોરોના ટેસ્ટ કરાશે. મુસાફરોને ટેસ્ટના રીપોર્ટની રાહ જોવી પડશે. અને રીપોર્ટ નેગેટિવ આવશે તો પણ તેઓને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. 8મા દિવસે ફરીથી કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને એ ટેસ્ટ પણ નેગેટિવ આવે તો પછીના સાત દિવસ સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે.

નવી ગાઈડલાઈન્સ મુજબ હાઈ રીસ્કવાળા દેશોને છોડીને અન્ય દેશોના યાત્રિકોને એરપોર્ટથી બહાર જવાની મંજૂરી હશે અને 14 દિવસો માટે તેઓએ સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે. કુલ એર પેસેન્જર્સમાંથી 5 ટકાને એરાઈવલ વખતે એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. એરપોર્ટ પર હાજર એરપોર્ટ કર્મચારી કુલ મુસાફરોના પાંચ ટકા મુસાફરોનો ટેસ્ટ કરી શકે છે.

સંબંધિત એરલાઇન્સે દરેક ફ્લાઇટમાં આવા પાંચ ટકા ટ્રાવેલર્સના ટેસ્ટ કરાવવા પડશે. આવા ટ્રાવેલર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સત્તાવાળાના ટેસ્ટિંગ એરિયામાં લઈ જવામાં આવશે. પેસેન્જર્સ આગમન પછી કે પહેલાના એરપોર્ટ ટેસ્ટમાં પોઝિટિવ જણાશે તો તેમને આઇસોલેટ કરાશે. આવા પેસેન્જર્સના સેમ્પલને હોલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવશે.