ફાઇલ ફોટોઃ અમેરિકામાં પહેલી ઓક્ટોબર 2021ના રોજ કોરોના મૃત્યુઆંક 7 લાખની નજીક પહોંચ્યો ત્યારે મૃતકોની યાદમાં વોશિંગ્ટન મેમોરિયલ નજીક બનાવવામાં આવેલા સુઝાન બ્રેનેન્ન ફર્સ્ટેનબર્ગ ખાતેના એક મેમોરિયલમાં લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. REUTERS/Leah Millis REFILE

ઓમિક્રોન વેરિયન્ટને પગલે કોરોનાના કેસોમાં જંગી વધારાની વચ્ચે અમેરિકામાં શુક્રવારે કોરોનાનો કુલ મૃત્યુઆંક 9 લાખના આંકને પાર કરી ગયો હતો, જે વિશ્વના કોઇપણ દેશમાં નોંધાયેલા મોત કરતાં વધુ છે. મૃત્યુઆંક 8 લાખથી વધી નવ લાખ થતાં બે મહિના કરતાં પણ ઓછો સમય લાગ્યો હતો. બે વર્ષથી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની આ સંખ્યા ઇન્ડિયાનાપોલિસ, સાન ફ્રાન્સિસ્કો અથવા શાર્લોટ, નોર્થ કેરોલિનાની વસતિ કરતાં વધુ છે, એમ જોહન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટામાં જણાવાયું હતું. કોરોનાને કારણે અમેરિકામાં દરરોજ સરેરાશ 2,400 લોકોના મોત થાય છે. ઓછામાં ઓછા 35 રાજ્યોમાં મોતની સંખ્યાં વધારો થઈ રહ્યો છે. હજુ પણ દરરોજ સરેરાશ 5 લાખ નવા કેસ નોંધાય છે.

વેક્સિનેશન અભિયાનના આશરે 13 મહિના બાદ કુલ મૃત્યુઆંક નવ લાખને વટાવી ગયો છે. વેક્સિનેશન અભિયાન દરમિયાન વિવિધ ગેરસમજ ઊભી થઈ હતી તથા કાનૂની અને રાજકીય વિવાદ થયા હતા, પરંતુ રસી ગંભીર બિમારી અને મોતની સંખ્યાને વધતી અટકાવવામાં સુરક્ષિત અને અસરકારક પૂરવાર થઈ છે.

બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડો. આશિષ કે ઝાએ જણાવ્યું હતું કે “આ અત્યંત ઊંચો આંકડો છે. જો તમે બે વર્ષ પહેલા અમેરિકાના લોકોને કહ્યું હોત કે  મહામારીથી આગામી થોડા વર્ષમાં નવ લાખ અમેરિકનના મોત થશે તો મોટાભાગના લોકો તે માનવા જ તૈયાર થયા ન હોત.”

વેક્સિનને મંજૂરી મળ્યા બાદ મોટાભાગના મોત થયા હોવાનો અફસોસ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે આપણે તબીબી વિજ્ઞાનમાં ખરા ઉતર્યા છીએ, પરંતુ સામાજિક વિજ્ઞાનમાં નિષ્ફળ રહ્યાં છીએ. લોકોને વેક્સિન લેવામાં કેવી રીતે મદદ કરવી, ખોટી માહિતીનો કેવી રીતે સામનો કરવો અને વેક્સિનેશનને કેવી રીતે રાજકીય રંગ ન આપવો તે લોકોને સમજાવવામાં આપણે નિષ્ફળ રહ્યાં છીએ.

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને પણ શુક્રવારની રાત્રે આ અંગે ખેદ વ્યક્ત કરતાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે બે વર્ષ પછી આ મહામારીનો ભાવનાત્મક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક ભાર સહન ન કરી શકાય તેવો મુશ્કેલ છે. તેમણે અમેરિકાના લોકોને વેક્સિન  અને બૂસ્ટર ડોઝ લેવાનો અનુરોધ કર્યો હતો.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શના ડેટા મુજબ અમેરિકાના 64 ટકા લોકો અથવા આશરે 21.2 કરોડ લોકો ફુલી વેક્સિનેટેડ છે. અમેરિકામાં મહામારીનો અંત આવ્યો ન હોવાનો સંકેત ઝાએ જણાવ્યું હતું કે એપ્રિલ સુધીમાં મૃત્યુઆંક 10 લાખ થઈ શકે છે.જોહન હોપકિન્સના ડેટા અનુસાર જાન્યુઆરીના મધ્યભાગમાં અમેરિકામાં કોરોનાના દૈનિક કેસો આશરે 8 લાખ નોંધાતા હતા, પરંતુ આ પછીથી નવા દૈનિક કેસની સંખ્યા ઘટી આશરે 5 લાખ થઈ છે. છેલ્લાં બે સપ્તાહથી 49 રાજ્યોમાં કેસો ઘટી રહ્યાં છીએ. આ સમયગાળામાં હોસ્પિટલાઇઝ્ડ દર્દીની સંખ્યા પણ 15 ટકા ઘટી આશરે 1.24 લાખ થઈ છે. ડિસેમ્બર 2020માં વેક્સિનેશન ચાલુ થયું ત્યારે મૃત્યુઆંક આશરે 3 લાખ હતો, જે જૂન 2021માં 6 લાખ અને પહેલી ઓક્ટોબરે 7 લાખ થયો હતો. 41 ડિસેમ્બરે મૃત્યુઆંક વધીને 8 લાખ થયો હતો. 8 લાખથી નવ લાખનો આંકડો પાર થતાં માત્ર 51 દિવસ લાગ્યાં હતા.