પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સીમાંકન પંચે તેના મુસદ્દા અહેવાલમાં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા અને લોકસભા બેઠકોમાં ધરખમ પુનર્ગઠનની ભલામણ કરી છે. આ રીપોર્ટ જમ્મુ કાશ્મીરના પાંચ એસોસિયેટિવ મેમ્બર્સને સુપરત કરવામાં આવ્યો છે. આ દરખાસ્તો મુજબ જમ્મુ ડિવિઝનની વિધાનસભા બેઠકોની સંખ્યા 37થી વધી 43 અને કાશ્મીર ડિવિઝનની બેઠકોની સંખ્યા 46થી વધી 47 થશે.

આ રીપોર્ટમાં અનંતનાગ સંસદીય બેઠકનું પુનર્ગઠન કરીને તેમાં જમ્મુ રિજનની રાજોરી અને પૂંચનો સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીર ડિવિઝનમાં મોટા ફેરફાર કરવાની પણ દરખાસ્ત છે. ઘણી જૂની વિધાનસભા બેઠકોને નાબૂદ કરાઈ છે, જેમાં હબ્બા કંડાલનો સમાવેશ થાય છે.

હબ્બા કંડાલ બેઠક પરંપરાગત રીતે માઇગ્રન્ટ કાશ્મીરી પંડિતોનો ગઢ ગણાતો હતો. હબ્બા કંડાલ બેઠકના મતદાતા હવે ઓછામાં ઓછી ત્રણ વિધાસભા બેઠકોમાં વહેંચાઈ જશે.

શ્રીનગર જિલ્લાની ખાનયાર, સોનવાર અને હઝરતબાલ વિધાનસભા બેઠકોને બાદ કરતા બીજી તમામ બેઠકોનું પુનર્ગઠન કરાયું છે અને તેને ચન્નાપોરા અને શ્રીનગર સાઉથ જેવી નવી વિધાનસભા બેઠકોમાં વિલીન કરાઈ છે. આ રીપોર્ટમાં ગયા વર્ષના 31 ડિસેમ્બરે નેશનલ કોન્ફરન્સે રજૂ કરેલા વાંધાની અવગણના કરવામાં આવી છે. એનસીએ જમ્મુ રિજનમાં વિધાનસભાની બેઠકોની સંખ્યામાં છનો વધારો કરવાની અને કાશ્મીરની બેઠકોમાં માત્ર એકનો વધારો કરવાની દરખાસ્તને અગાઉ ફગાવી દીધી હતી.

સીમાંકન પંચે ગયા વર્ષે 18 ફેબ્રુઆરી અને 20 ડિસેમ્બરે બેઠક યોજી હતી. પ્રથમ બેઠકનો નેશનલ કોન્ફરન્સે બહિષ્કાર કર્યો હતો, જ્યારે બીજી બેઠકમાં તેના સાંસદો હાજર રહ્યાં હતા. નેશનલ કોન્ફરન્સે સીમાંકન પંચની દરખાસ્તના મુસદ્દાનો જોરદાર વિરોધ કર્યો હતો.

સીમાંકન કવાયત પૂરી થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો 83થી વધીને 90 થશે. અગાઉ કાશ્મીરમાં 46, જમ્મુમાં 37 અને લડાખમાં ચાર વિધાનસભા બેઠકો હતી.

નેશનલ કોન્ફરન્સે સીમાંકન પંચનો રીપોર્ટ ફગાવી દીધો

નેશનલ કોન્ફરન્સે સીમાંકન પંચના બીજા ડાફ્ટ રીપોર્ટને ફગાવી દીધો છે. આ રીપોર્ટમાં નવી વિધાનસભા બેઠકોનું સર્જન કરવાનો અને બીજી બેઠકોના પુનર્ગઠનની દરખાસ્ત કરવામાં આવી છે.પાર્ટીના પ્રવક્તા ઇમરાન નબી દારે જણાવ્યું હતું કે એનસી 4 ફેબ્રુઆરી 2022ના રોજ સીમાંકન પંચ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા ડ્રાફ્ટ રિપોર્ટને સંપૂર્ણપણે રિજેક્ટ કરી છે. એકસમાન ગણવાની બાબત દોષપૂર્ણ અને કાઉન્ટર પ્રોડક્ટિવ છે.