અમેરિકામાં ગુરુવારે કોરોનાના વાઇરસના દૈનિક કેસનો રેકોર્ડ તૂટ્યો હતો. દેશમાં નવા 91,000 કરોડ નોંધાયા હતા અને ઘણા રાજ્યોમાં હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સંખ્યા પણ વિક્રમજનક રહી હતી. ગુરુવારે આશરે 1,000 લોકોના મોત પણ થયા હતા. ઓક્ટોબર પછી પ્રથમ વખત દૈનિક ધોરણે આટલા લોકોના મોત થયા છે.

મંગળવારે પ્રેસિડેન્ટની ચૂંટણીના એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં કેસોમાં ઉછાળો આવ્યો છે. અમેરિકામાં દૈનિક કેસનો અગાઉના રેકોર્ડ 84,169 કેસનો હતો. 23 ઓક્ટોબરે આટલા દૈનિક કેસ નોંધાયા હતા. વૈશ્વિક સ્તરે ભારત 17 સપ્ટેમ્બરે 97,984 નવા કેસ સાથે દૈનિક કેસનો રેકોર્ડ ધરાવે છે. અમેરિકાના ઓહાયો, મિશિગન, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોસિનમાં કોરોના નવા કેસોમાં ઉછાળો આવ્યો છે.

ગુરુવારે 12 રાજ્યોમાં કોરોનાના નવા દૈનિક કેસનો રેકોર્ડ બન્યો હતો. આ રાજ્યોમાં ઇલિનોઇસ, ઇન્ડિયાના, મૈને, મિશિગન, મિનેસોટા, મિસોરી, નેબ્રાસ્કા, ન્યૂ મેક્સિકો, નોર્થ કેરોલિના, નોર્થ ડાકોટા, ઓહાયો અને ઓરેગોનનો સમાવેશ થાય છે. નવા કેસની સાથે મૃત્યુ અને હોસ્પિટલાઇઝેશનમાં પણ વધારો થયો છે.

અમેરિકામાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 229,000 લોકોના મોત થયા છે, જે વિશ્વમાં સૌથી મોટો મૃત્યુઆંક છે. ઓક્ટોબરમાં હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સંખ્યા પણ 50 ટકા ઉછળીને 46,000 થઈ હતી.