વોશિંગ્ટનમાં યુનાઇટેડ સ્ટેટ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ફેડરલ સર્કિટે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મોટાભાગની ટેરિફના અમલ પર સ્ટે મૂકતા એક ટ્રેડ કોર્ટના આદેશને ગુરુવારે રદ કર્યો હતો. આનો અર્થ એવો થાય છે કે ટ્રમ્પની ટેરિફ અમલી રહેશે અને ટ્રમ્પ સરકારને કામચલાઉ રાહત મળી છે.
ફેડરલ અપીલ્સ કોર્ટે જણાવ્યું હતું કે તે સરકારની અપીલ પર વિચારણા કરવા માટે નીચલી અદાલતના ચુકાદા પર સ્ટે મૂકી રહી છે. કોર્ટે આ કેસોમાં અરજદારોને 5 જૂન સુધીમાં અને ટ્રમ્પ વહીવટીતંત્રને 9 જૂન સુધીમાં જવાબ આપવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ મેનહટન સ્થિત ત્રણ ન્યાયાધીશોની કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના વિવિધ દેશો પર લાદેલી મોટાભાગની ‘લિબરેશન ડે’ ટેરિફના અમલ પર બુધવારે સ્ટે મૂક્યો હતો. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટે પોતાના અધિકારો ઓળંગીને અમેરિકાના વેપાર ભાગીદાર દેશોમાંથી થતી આયાત પર સાર્વત્રિક ટેરિફ લાદી છે. કોર્ટે જાન્યુઆરીથી ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા ટેરિફ ઓર્ડર પર કાયમી મનાઈહુકમ જારી કર્યો હતો. કોર્ટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળના જાન્યુઆરીથી ટ્રમ્પના ટેરિફ અંગેના તમામ આદેશોને તાત્કાલિક અસરથી અમાન્ય કરી દીધા હતાં. આ ધારો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન “અસામાન્ય અને અસાધારણ” જોખમોને સામનો કરવા સંબંધિત છે.
જોકે ટ્રમ્પ વહીવટીતંત્રે થોડીવારમાં કોર્ટના આદેશ સામે અપીલની નોટિસ દાખલ કરી હતી અને કોર્ટની સત્તા પર સવાલ ઉઠાવ્યા હતાં. બુધવારે વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય દેશો સાથેની યુએસ વેપાર ખાધ “એક રાષ્ટ્રીય કટોકટી છે જેને અમેરિકન સમુદાયોનો બરબાદ કર્યો છે, આપણા કામદારોની નોકરી છીનવાઈ ગઈ છે અને સંરક્ષણ ઔદ્યોગિક પાયો નબળો પડ્યો છે, આ હકીકતો સામે કોર્ટ સવાલ કરી શકે નહીં. પ્રવક્તા કુશ દેસાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “રાષ્ટ્રીય કટોકટીને યોગ્ય રીતે કેવી રીતે સામનો કરવો તે નક્કી કરવાનું કામ બિનચૂંટાયેલા ન્યાયાધીશોનું નથી.”
કોર્ટે હાલમાં ટ્રમ્પ સરકારને રાહત આપી છે પરંતુ ટેરિફ અંગેની અનિશ્ચિતતા યથાવત રહી છે. યુરોપિયન યુનિયન, ચીન અને અન્ય ઘણા દેશો સાથે ચાલી રહેલા ટ્રેડ વાટાઘાટોની અંગે પણ અનિશ્ચિતતા ઊભી થશે.
