અમેરિકાના પ્રમુખ બાઇડેને ગન વાયોલન્સને મહામારી ગણાવી હોવા છતાં ન્યૂ જર્સી, દક્ષિણ કેરોલાઈના, જ્યોર્જિયા, ઓહિયો અને મિનેસોટામાં ગયા સપ્તાહના અંતે ગોળીબારની ઘટનાઓમાં 12 જણાનાં મોત નીપજયા હતા, તો બીજા 50ને ઇજાઓ થઇ હતી.
ન્યૂ જર્સીના કેમ્ડેનમાં શનિવારની રાત્રે થયેલા ગોળીબારમાં બે મોત તથા અન્ય 12 ઘવાયા હતા, દક્ષિણ કેરોલાઈનામાં 14 વર્ષની બાળાનું મોત થવા ઉપરાંત અન્ય 14 ઘવાયા હતા. આટલાન્ટા જ્યોર્જિયા પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણ રાઉન્ડ ગોળીબારમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઓહિયોના યંગસ્ટોનના બારમાં રવિવારની સવારે થયેલા ગોળીબારમાં ત્રણ મોત અને આઠને ઇજા ઉપરાંત કોલમ્બસ પાર્કમાં થયેલા ગોળીબારમાં 16 વર્ષની બાળાનું મોત અને અન્ય સાત ઘવાયા હતા.
મિનેસોટામાં જ્યોર્જ ફલોઇડની પ્રથમ પુણ્યતિથિએ સમર્થકોની રેલીની પૂર્વ સંધ્યાએ થયેલા ગોળીબારમાં એકનું મોત અને આઠ ઘવાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, એક શકમંદની ધરપકડ કરાઇ છે અને બીજા શકમંદનું મોત નીપજ્યું હતું.
પ્રમખ બાઇડેને ગન ફાયરિંગ કટોકટી ડામવા “ઘોસ્ટ ગન” (હોમકીટથી બનાવાયેલ) રોકવા, સામુદાયિક તોફાનોને ખાળતી એજન્સીઓનો ટેકો મેળવવા સહિત છ વહીવટી પગલાં લીધા હતા. અમેરિકામાં આ વર્ષે ફાયરિંગથી સામુહિક સંહારની 200 ઘટનાઓ થયાનું જણાવાયું હતું.