અમેરિકામાં વારંવાર થતી ફાયરિંગની ઘટનાઓને રોકવા માટે યુએસ સેનેટમાં ગન કંટ્રોલ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલની દેશમાં લાંબા સમયથી માગણી થઈ રહી હતી. 30 વર્ષ પહેલા આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. અમેરિકામાં સામુહિક ગોળીબારની ઘટનાઓ અંગે લોકો ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. હવે ગન કંટ્રોલ બિલ સેનેટમાં પાસ થયા પછી તેને હાઉસમાં મોકલાશે. ત્યાંથી બિલ પસાર થયા પછી તેના પર પ્રેસિડેન્ટ જો બાઈડેન હસ્તાક્ષર કરશે. જોકે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ બિલનો વિરોધ કરી ચૂક્યા છે. એટલે કદાચ, રિપબ્લિકન પાર્ટીના સભ્યો બિલના વિરોધમાં મતદાન કરી શકે છે, પરંતુ હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો વધુ છે, એટલે વિરોધમાં મતદાન થાય છતાં બિલ પસાર થશે. સેનેટમાં પણ બિલની તરફેણમાં 65 મત પડ્યા હતા.