અમેરિકન ઈમિગ્રેશન એજન્સીએ જણાવ્યું છે કે, અગાઉની H1-B વિઝાની નીતિ રદ્ કરવામાં આવશે અને તે પહેલાં જે નીતિ હતી તેનો ફરીથી અમલ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે મોટી સંખ્યામાં વસતા ભારતીય આઈટી નિષ્ણાતોને રાહત થશે અને H1-B વિઝા મેળવવાનું વધારે સરળ બનશે. ધ યુએસ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે H1-B વિઝાને લગતી જે નીતિ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બનાવી હતી તે રદ્ કરવામાં આવે છે. તેના બદલે બરાક ઓબામાના સમયમાં જે પોલિસી અમલમાં હતી એવી જ પોલિસી ફરીથી લાગુ કરાશે.
ટ્રમ્પે H1-B વિઝાની અરજીઓને તુરંત રદ્ કરવાની સત્તા ઈમિગ્રેશન અધિકારીઓને આપી હતી. તેના કારણે અસંખ્ય અરજદારોને વિઝા મળવા મુશ્કેલ બન્યા હતા. એ પહેલાં ઈમિગ્રેશન અધિકારીઓ પાસે આવી તમામ સત્તા ન હતી. અધિકારીઓ તુરંત અરજીને રદ્ કરી શકતા ન હોવાથી એક નિયત પ્રક્રિયા કરવામાં આવતી હતી. તેના કારણે એચ-૧બી વિઝા મેળવવાની શક્યતા વધારે હતી, પરંતુ ટ્રમ્પની પોલિસીના કારણે અસંખ્ય આઈટી નિષ્ણાતો આ કેટેગરીના વિઝા મેળવવાથી વંચિત રહેતા હતા.
ઈમિગ્રેશન એજન્સીના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે પ્રમુખ જો બાઈડેનના સૂચન પ્રમાણે વિઝાનીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વિઝા પ્રક્રિયાને વધારે ઝડપી બનાવવા માટે પરિવર્તનો થઈ રહ્યાં હોવાનું ઈમિગ્રેશન વિભાગે કહ્યું હતું. ઈમિગ્રેશન વિભાગે અધિકારીઓને નોટિફિકેશન જારી કરીને કહ્યું હતું કે વિઝા રદ્ કરતા પહેલાં વધારે માહિતી મેળવો અને વધારે પુરાવા ઉમેરો. મજબૂત પુરાવા વગર વિઝા રદ્ કરવા નહીં.
ઉલ્લેખનીય છે કે જૂન-૨૦૧૮માં ડોનાલ્ડ ટ્રમ્પે વિઝાનીતિમાં ધરખમ ફેરફારો કર્યા હતા. તેના કારણે અગાઉ જેટલી સરળતાથી અમેરિકાના વિઝા મળતા હતા, તે મુશ્કેલ બની ગયું હતું.