પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં ઇમરજન્સી શેલ્ટર હોમ્સમાં મોકલાતા તરછોડાયેલા તથા માઇગ્રન્ટ્સ સમુદાયના બાળકોને ભારે ભીડ, બગડેલો આહાર, સ્વચ્છ કપડાની અછત, વધારે પડતો પ્રકાશ અને ઘોંઘાટની તકલીફો તેમજ તેના પગલે માનસિક હતાશાનો સામનો કરવો પડી રહ્યાનું એક કોર્ટ કેસમાં 17 જેટલી જુબાનીઓમાં જણાવાયું છે.

હોન્ડુરાસ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા તથા અન્યત્રથી આવેલા, માબાપથી વિખૂટા પડેલા કે તરછોડાયેલા 14500 જેટલા બાળકો ફોર્ટ બ્લિસ તથા અન્ય તાકીદે ઉભા કરાયેલા શેલ્ટર હોમ્સમાં વસે છે. કોર્ટ કેસમાં જુબાની આપનારા 13થી 17 વર્ષની વયજૂથના બાળકોએ ગંદીવાસવાળું ખાવાનું, એક ટેન્ટમાં 300 બાળકોની ભીડ, અસ્વચ્છ કપડાં, વધારે પડતા પ્રકાશ અને માનસિક હતાશાની ફરિયાદો કરી હતી.