Represents image

વિશ્વભરમાં કોરોના વાઇરસના રોગચાળાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થતાં અનેક નાગરિકો બીજા દેશોમાં ફસાયા છે. આ સ્થિતિમાં વિવિધ દેશોમાં ફલાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે કેટલાક દેશોએ આયોજન કર્યું છે. પરંતુ અમેરિકામાં જ હાલમાં રોગચાળાની ગંભીર સ્થિતિ છે તેના કારણે જે અમેરિકન્સ ભારતમાં છે તેઓ હાલમાં સ્વદેશ જવા ઈચ્છતા નથી.

અત્યારે અમેરિકા કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશ છે, ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંના લોકો આ ચેપગ્રસ્ત છે. ભારતના એક અંગ્રેજી અખબારના એક અહેવાલ પ્રમાણે, અમેરિકન પ્રશાસને ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકોને સ્વદેશ લાવવા ખાસ ફલાઈટ્સની વ્યવસ્થા કરી છે પરંતુ ઘણા અમેરિકન નાગરિકો ભારતમાં રહેવાનું જ પસંદ કરે છે.

અમેરિકાના વિદેશ વિભાગના અધિકારી ઈયાન બ્રાઉનલીએ તાજેતરમાં વોશિંગ્ટન ડીસીમાં મીડિયાને જણાવ્યું કે, મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો ભારતમાં જ રોકાવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે, અમારા કર્મચારીઓએ ભારતમાં અંદાજે 800 અમેરિકન નાગરિકોને પૂછ્યું હતું કે શું તેઓ પરત આવવા ઈચ્છે છે, તો તેમના માટે ફલાઈટ્સ તૈયાર છે, પરંતુ તેમાંથી ફક્ત 10 લોકોએ જ તૈયારી દર્શાવી હતી.

આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે, મોટાભાગના લોકો અમેરિકા હાલમાં પાછા પહોંચવા બાબતે દ્વિધામાં છે. બ્રાઉનલીએ કહ્યું કે, ભારતમાં અંદાજે 24 હજાર અમેરિકન નાગરિકો છે અને વિભાગ દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ થઇ રહ્યા છે.અમેરિકાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અગાઉ જણાવ્યું હતું કે, વિશ્વના જુદા જુદા દેશોમાંથી 50 હજારથી વધુ નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.

ભારતે પણ ચીન અને ઈરાનમાંથી પોતાના નાગરિકોને સ્વેદશ લાવવાની વ્યસ્થા કરી હતી. ઓસ્ટ્રેલિયાએ થોડા દિવસ પહેલા એક ખાસ વિમાન દિલ્હી મોકલ્યું હતું અને ભારતમાંથી પોતાના 444 નાગરિકોને મેલબોર્ન લઇ ગયું હતું.આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના અધિક સચિવ અને ખાસ ટીમના પ્રભારી દામૂ રવિએ જણાવ્યું કે, મંત્રાલયે અત્યાર સુધીમાં 20,473 વિદેશી નાગરિકોને તેમના પોતાના દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા કરી છે.