વિશ્વના કુલ 199 દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 5,75,758 લોકો સંક્રમિત થયા છે જ્યારે આ કુલ મૃત્યુઆંક પણ 26,405 પાર થઈ ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 263 લોકો મોતને ભેટ્યા છે.
સારી વાત એ છે કે વિશ્વમાં 1,29,970 લોકો આ વાઈરસની અસરથી સાજા થઈ ગયા છે. યુરોપમાંથી સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન શુક્રવારે કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા હતા. ગઈકાલે પણ પ્રિન્સ ચાર્લ્સમાં કોરોના વાઈરસના સંક્રમણની અસર જોવા મળી હતી.

બોરિસે આ અંગે એક ટ્વિટ કરીને સંક્રમણ વિશે માહિતી આપી હતી. તેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર નવા કેસ સામે આવ્યા છે. સાથે જ અમેરિકામાં 24 કલાકમાં 345 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક 1477 થયો છે.

ઇટાલીના ડોક્ટર એસોશિયેશને શુક્રવાર સાંજે જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં 51 ડોક્ટર્સના મોત થયા છે. રિપોર્ટ અનુસાર ગુરૂવારથી શુક્રવાર દરમિયાન ઇટાલીમાં 969 લોકોના મોત થયા. કુલ મોતનો આંકડો 9134 થઇ ચુક્યો છે. સંક્રમણના કુલ કેસ અને મૃત્યુઆંકની દ્રષ્ટિએ ચીન અમેરિકા, ઈટાલી બાદ ત્રીજા ક્રમ પર છે. સ્પેનમાં પણ વધુ 569 મોત થતા કુલ મૃત્યુઆંક 4,934 થયો છે. સ્પેનમાં આજે 6,273 નવા કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુ આંક 569 વધીને 4,934 થયો છે.

ઈટાલીના રિમિનીમાં 101 વર્ષના વૃદ્ધે કોરોના વિરુદ્ધ જંગ જીતી લીધો. મીડિયા રિપોર્ટ્સમાં તેમનું નામ મિસ્ટર પી જણાવાયું છે. શહેરના વાઈરસ મેયર ગ્લોરિયા લિસિ અનુસાર મિસ્ટર પીને એક અઠવાડિયા પૂર્વે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુરુવારે તે રિકવર થવા લાગ્યા. તેમણે કહ્યું કે 100 વર્ષથી વધુ વયની વ્યક્તિને કોરોનાને હરાવતી જોઈ અમારામાં ભવિષ્ય પ્રત્યે આશા જાગી રહી છે. ઈટાલીમાં કોરોનાને કારણે દુનિયામાં સૌથી વધુ મોત થયા છે.

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે દક્ષિણ આફ્રિકાએ શુક્રવારથી ત્રણ સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉનને અસરકારક બનાવવા માટે સેનાના જવાનો અને પોલીસને તહેનાત કરાઈ છે. આ જાહેરાત પછી લોકો જરૂરી વસ્તુની ખરીદી કરવા માટે સુપર માર્કેટ પહોંચી ગયા હતા. જ્યારે ઘણા લોકો પોતાના વડિલોને લઈને પોતાના પૈતૃક ગામમાં જવા માટે રવાના થયા હતા. દ. આફ્રિકામાં કોરોના વાઈરસના 927 કેસ નોંધાયા છે. જોકે અહીં સંક્રમણના કારણે એક પણ મોત થયું નથી.