કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક પહોંચી ગઈ છે. મૃત્યાઆંક 27365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1700થી વધી ગયા છે. ઈટાલીમાં 86498 કેસ નોંધાયા છે.

અહી મૃત્યુઆંક 9134 થયો છે. અમેરિકાએ કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને આ મહામારી સામે લડવા માટે 174 મિલિયન ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતને 2.9 મિલિયન ડોલર (21.7 કરોડ રૂપિયા)ની મદદ આપવામાં આવશે. બીજીતરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16267 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વિશ્વમાં થયેલા કુલ મોતના 60 % છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ યુરોપમાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખથી વધારે છે.

ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ 86498 થઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અહીં એક દિવસમાં 969 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ અત્યાર સુધીમાં 9134 લોકોએ જીવ ગુમાવ્યો છે. 24 કલાકમાં 589 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુક્રવારે અહીં 4401 લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ અહીં 3732 લોકો આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. 3 એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 773 લોકોના મોત થયા છે.

અહીં મૃત્યુઆંક 5138 થયો છે.અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને કેવી રીતે એટકાવવો તેના માટે એક કલાક ફોન ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી. વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઈરસ સાથે જોડાયેલ તમામ ડેટા ચીન અમેરિકા સાથે શેર કરશે. ચીનમાં કોરોના સામે કેવી રીતે લડવામાં આવ્યું તેની માહિતી ઉપયોગી નિવડશે.

કોરોના સામે સાથે મળીને લડવા માટે અમે સહમત થયા છીએ.ફ્રાન્સમાં એક દિવસમાં 300થી વધારે લોકોએ કોરોના વાઈરસના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. અહીંની સરકારે લોકડાઉનને 15 દિવસ લંબાવી દીધો છે. ફ્રાન્સ યુરોપનો ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં 1995 લોકોના મોત થયા છે અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32964 છે.