અમેરિકાના સત્તાવાળાએ ડોક્યુમેન્ટ પ્રક્રિયામાં ભૂલો હોવાનું જણાવીને ભારતમાંથી કેરીના ઓછામાં ઓછા 15 શિપમેન્ટને પાછા મોકલ્યાં હતાં. સત્તાવાળાએ નિકાસકારોને શિપમેન્ટને ભારત પાછાં મોકલવા અથવા તેનો નાશ કરવાની સૂચના આપી હતી. આનાથી ભારતના નિકાસકારોએ આશરે 5 લાખ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટાના એરપોર્ટ પર પહોંચ્યા પછી શિપમેન્ટને નકારી કાઢવામાં આવ્યાં હતાં. 8 અને 9 મેના રોજ મુંબઈમાં આ શિપમેન્ટનું ઇરેડિયેશન કરવામાં આવ્યું હતું. કેરી ઝડપથી બગડતી જતી હોવાથી અને શિપિંગના ઊંચા ખર્ચને કારણે નિકાસકારોએ આ કાર્ગોને ફરી નિકાસ ન કરવાનું પસંદ કર્યું હતું. અધિકારીઓએ ઇરેડિયેશન પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજોમાં અસંગતતાઓ તરફ ધ્યાન દોર્યું હતું.
ઇરેડિયેશન પ્રક્રિયા નવી મુંબઈ સ્થિત એક ફેસિલિટીમાં થાય છે, જેનું નિરીક્ષણ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ના પ્રતિનિધિ પણ કરે છે. આ અધિકારીને PPQ203 ફોર્મ માન્ય કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે યુએસમાં કેરીની નિકાસ માટે જરૂરી છે. એક નિકાસકારે જણાવ્યું હતું કે આ ઇરેડિયેશન સુવિધામાં થયેલી ભૂલો માટે અમને દંડ કરવામાં આવી રહ્યો છે.
