Heavy snowfall, storms, floods affect thousands in some areas of America
REUTERS/Andrew Kelly

અમેરિકના ઉત્તર-પૂર્વના ભાગોમાં કાતિલ ઠંડા પવનોની સાથે 30થી 38 સે.મિ.  જેટલી બરફવર્ષા થતાં ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, કેલિફોર્નિયાના પર્વતીય ભાગો, મેનહટન, પેન્સિલ્વેનિયા, ફિલાડેલ્ફિયા, કનેક્ટીક્ટ અને અન્ય વિસ્તારો ઉપર બરફની ચાદર પથરાઇ ગઇ હતી. ન્યૂ યોર્ક, બોસ્ટન, ફિલાડેલ્ફિયા, વોશિંગ્ટન જેવા વિમાનીમથકોએ 1600થી વધારે ફલાઈટ્સ રદ કરાઈ હતી. ન્યૂ યોર્ક, ન્યૂ જર્સીમાં કટોકટી જાહેર કરાઇ હતી. બાળકોને સલામત સ્થળોએ રાખવા તથા અનાવશ્યક મુસાફરીની મનાઇ ફરમાવતી સલાહ અપાઇ હતી.

ઉત્તર-પૂર્વીય – પૂર્વીય કાંઠાના બરફના તોફાન સાથે કાતિલ ઠંડા પવનો ફૂંકાતા ન્યૂ જર્સી અને પેન્સિવેનિયામાં 27 ઇંચ (68 સે.મિ.) જેટલો બરફ પડ્યો હતો. ન્યૂ યોર્ક શહેરમાં 17 ઇંચ (43 સે.મિ.) મેનહટન સેન્ટ્રલ પાર્કમાં 13 ઇંચ (33 સે.મિ.), ન્યૂ ઇંગ્લેન્ડના સાગરકાંઠાથી થોડા માઇલ અંતરિયાળમાં 12 ઇંચ (30 સે.મિ.) જેટલો બરફ પડ્યો હતો.

ન્યૂ યોર્કમાં મેનહટ્ટનમાં બરફવર્ષા બાદ એક ફુવારો થીજી ગયો હતો. REUTERS/Carlo Allegri

 ન્યૂ યોર્ક, ન્યૂ જર્સીમાં ઈમરજન્સી જાહેર કરાઈ

ન્યૂ યોર્કની શેરીઓમાં મીઠા ભરેલી ટ્રકો અને બરફ હટાવતા વાહનો ફરવા લાગ્યા હતા. ન્યૂ યોર્કમાં કટોકટી જાહેર કરાઇ હતી. મેયર બિલ બ્લાસીઓએ બાળકોને શાળાઓના બદલે ઘેર રાખવા જણાવ્યું હતું. કેટલીક ટ્રેન સેવા પણ બંધ રખાઇ હતી. ન્યૂ જર્સીમાં પણ કટોકટી લદાતા રસ્તાઓ બંધ કરાવી સત્તાવાળાઓએ જરૂર જણાય તેવા વિસ્તારોમાં ઘરો ખાલી કરાવી સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરાવ્યું હતું. ગવર્નર ફીલ મરફીએ રસીકરણના કેન્દ્રો બંધ રહેશે તેવું ટ્વીટ કર્યું હતું. ફિલાડેલ્ફિયામાં પણ બરફની કટોકટી જાહેર કરીને સરકારી ઇમારતો બંધ રખાઇ હતી. નાગરિકોને તેમના વાહનો અસરગ્રસ્ત રસ્તાથી દૂર રાખવા જણાવાયું હતું. પેન્સિવેનિયામાં ઘરની બહારથી બરફ ખસેડવા બાબતે બે પાડોશીઓમાં ઝઘડો થતાં વિલ્કીસ – બારે દંપતિ ઠાર મરાયું હતું. દંપતિને ગોળી મારનાર શૂટરે પોલીસ આવે તે પહેલાં પોતે આપઘાત કર્યો હતો.

કેલિફોર્નિયાના પર્વતીય ભાગોમાં ગત સપ્તાહે છ ફૂટ બરફ પડ્યા બાદ આ તોફાન મીડવેસ્ટ તરફ આગળ વધતાં શિકાગોમાં આઠ ઇંચ બરફ પડ્યો હતો. ન્યૂ જર્સી કાંઠે 30થી 40 માઇલ તથા કેપ કોડ માર્થા વાઈનયાર્ડ, નન્ટુકેટ ટાપુઓમાં 60 માઇલ સુધીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઇ હતી. પવન અને ભારે બરફ વર્ષાથી વીજળી પુરવઠો ખોરવાવાની ઘટનાઓ બની હતી.

બરફના તોફાનથી કોરોના રસીકરણ કાર્યક્રમને પણ માઠી અસર થઇ હતી. રસીકરણ અને ટેસ્ટીંગ સ્થળો બંધ રાખવા તથા કાર્યક્રમ નવેસરથી ગોઠવવાની ફરજ પડી હતી. ન્યૂ જર્સીમાં છ સાઇટ્સ, ન્યૂ યોર્કમાં જાહેર હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો તથા બોસ્ટનમાં રેગી લુઇસ સેન્ટરના રસીકરણ કેન્દ્રો બંધ રહ્યા હતા.