ફાઇલ ફોટો . (PTI Photo)

ઓકસફર્ડ લેંગ્વેજિસે ‘આત્મનિર્ભરતા’ શબ્દને વર્ષ ર0ર0નો હિન્દી શબ્દ જાહેર કર્યો છે. ઓકસફર્ડ લેંગ્વેજિસે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાનો સામનો કરવા માટે રાહત પેકેજની જાહેરાત કરી ત્યારે તેમણે વૈશ્ર્વિક મહામારીનો સામનો કરવા માટે દેશને એક અર્થ વ્યવસ્થાના રૂપમાં, એક સમાજના રૂપમાં અને વ્યકિતગત રીતે આત્મનિર્ભર બનાવવા પર જોર આપ્યું હતું.

ભાષા વિશેષજ્ઞો કૃતિકા અગ્રવાલ, પૂનમ નિગમ સહાય અને ઇમોજેન ફોકસેલની બનલી એક એડવાઇઝરી પેનલ દ્વારા આ શબ્દ પસંદ કરવામાં આવ્યો હતો.

ઓકસફર્ડ લેંગ્વેજિસે જણાવ્યું હતું કે વડાપ્રધાનના સંબોધન બાદ આત્મનિર્ભરતા શબ્દના ઉપયોગમાં જંગી વધારો થયો હતો. તેનું એક ઉદાહરણ ભારત દેશમાં કોવિડ-19 ની રસીનું નિર્માણ પણ છે. ગણતંત્ર દિવસે રાજપથ પર આત્મનિર્ભર ભારત અભિયાનને રેખાંકીત કરતી એક ઝાંખી પણ રજૂ કરાઈ હતી. ‘આત્મનિર્ભર ભારત’ ને અનેક ક્ષેત્રોના લોકોમાં ઓળખ મળી છે.

અગ્રવાલે જણાવ્યું હતું કે સંખ્યાબંધ રસપ્રદ એન્ટ્રી મળી હતી, પરંતુ આત્મનિર્ભરતા અનોખા શબ્દ તરીકે ઉભરી આવ્યો હતો, કારણ કે તે કોરોના મહામારીનો સામનો કરવામાં અને ટકી રહેવામાં અસંખ્ય ભારતીય લોકોની રોજિંદી સફળતાને પ્રમાણભૂત કરે છે. આ શબ્દ લાંબા સમય સુધીની એકલતા, કૌટુંબિક સપોર્ટના અભાવ, આજીવિકા સામે જોખમ અને બીજી મુશ્કેલીઓ સામનો કરવા યુવાન અને ઉંમરલાયક લોકોએ એકસમાન રીતે દર્શાવેલી મજબૂતાઈને રજૂ કરે છે.
અગાઉના હિન્દી વર્ડ ઓફ યરમાં આધાર (2017), નારીશક્તિ (2018) અને સંવિધાન (2019)નો સમાવેશ થાય છે. આત્મનિર્ભરતા શબ્દને હવે ઓક્સફર્ડ ડિક્શનરીમાં પણ આપોઆપ સ્થાન મળશે.