એક અમેરિકન યુનિવર્સિટીએ તેના અધ્યયનમાં દાવો કર્યો છે કે, ભારતમાં મે મહિનાના 15 મે સુધીમાં કોરોના સંક્રમણ ગંભીર સ્થિતિએ હશે. આ સમય દરમિયાન દૈનિક મૃત્યુદરનો આંકડો 5600 પર પહોંચશે અને આ જ સ્થિતિ યથાવત રહેશે તો એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે કોરોનાથી અંદાજે ત્રણ લાખ લોકો પોતાનો જીવ ગુમાશે. વોશિંગ્ટન યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા ‘કોવિડ-19 પ્રોજેક્શન’ અંતર્ગત અધ્યયન કરવામાં આવ્યું હતું, જેનો રીપોર્ટ 15 એપ્રિલે પ્રસિદ્ધ થયો હતો.
રીપોર્ટમાં થયેલા દાવા મુજબ કોરોના મહામારીને કારણે આવનારા સમયમાં સ્થિતિ વધુ બગડશે. ભારતમાં સંક્રમણ અને મૃત્યુના વર્તમાન દરના આધાર પર કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે 10 મેના રોજ દૈનિક મૃત્યુ દર 5600એ પહોંચવાની આશંકા છે. એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન 3.29 લાખ લોકોના મોત થશે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં મૃતકઆંક 6.65 લાખ સુધી વધી શકે છે.
અભ્યાસમાં જણાવ્યા મુજબ જો એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં બધા માસ્ક પહેરવાની આદતને ગંભીરતાથી લઈ લેશે તો મૃતકઆંક 70,000 જેટલો ઘટી શકે છે. સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021ના મધ્યમાં ભારતમાં કોરોના સંક્રમણ અને મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ત્યાર બાદ અચાનક જ તેમાં પરિવર્તન આવ્યું હતું. તેના પાછળનું મુખ્ય કારણમાં શારીરિક અંતરનો અભાવ અને માસ્કમાં પહેરવાની બેદરકારીને જવાબદાર માનવામાં આવે છે.