ભારતમાં સુપ્રીમ કોર્ટના 48મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ એન. વી. રમનાએ નવી દિલ્હીમાં શનિવારે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન સહિતના મહાનુભાવોની હાજરીમાં તેમને શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ રમનાએ એસ. એ. બોબડેનું સ્થાન લીધું છે. જસ્ટિસ બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થયા છે. જસ્ટિસ બોબડેએ અગાઉ જસ્ટિસ રમનાના નામનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. જસ્ટિસ એન.વી રમના આંધપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ એવા ન્યાયમૂર્તિ છે, જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદે પહોંચ્યા છે. જસ્ટિસ રમના આવતા વર્ષે 26 ઓગસ્ટે નિવૃત્ત થશે. નવેમ્બર 2019માં જસ્ટિસ બોબડેની દેશના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક થઇ હતી. તેમણે જસ્ટિસ રંજન ગોગોઈનું સ્થાન લીધું હતું. વર્ષ 1983માં જસ્ટિસ રમનાએ વકીલાતની શરૂઆત કરી હતી. તેમનો જન્મ આંધપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામમાં થયો હતો.