રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શરૂઆતથી જ યુક્રેનના પ્રેસિડેન્ટે વિવિધ દેશો પાસે મદદ માગી છે. જોકે યુદ્ધના પ્રથમ દિવસે તો અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેને જણાવ્યું હતું કે, યુક્રેન તેની લડાઈ જાતે લડે પરંતુ શનિવારે અમેરિકાએ યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે. અમેરિકન હાઉસનાં સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનને 60 કરોડ ડોલરના હથિયારો આપશે. જેથી તેઓ કિવને રશિયન સૈન્યના હુમલાથી પોતાને બચાવી શકે.
ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટ પ્રમાણે યુદ્ધના બીજા દિવસે અમેરિકન બિડેને રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા છે અને યુરોપમાં અમેરિકાના વધુ સૈનિકો તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. જોકે તેમણે કહ્યું છે કે, કોઈ પણ અમેરિકન સેનાને યુક્રેન મોકલવામાં નહીં આવે. આ સ્થિતિમાં યુક્રેન બોર્ડર પર અમેરિકન વિમાન જોવા મળ્યા છે. અમેરિકન એરફોર્સના ત્રણ વિમાન રોમાનિયા હવાઈ વિસ્તારમાં ઉડતા દેખાયા છે. આ વિમાન ત્રણ કલાક કરતા વધુ સમયથી અહીં ઉડતા હતા. તેમાંથી એક પોલેન્ડ હવાઈ વિસ્તારમાં ફ્યુલ ભરતું વિમાન છે. નોંધનીય છે કે, યુક્રેન પર હુમલા પછી રશિયાની એક્ટિવિટી વિશે બ્રિટન સહિત અમેરિકાએ ઘણાં કડક પગલાં લીધા છે. આ જ હેતુથી અમેરિકાના વાયુસેનાના ત્રણ વિમાન યુક્રેન સીમા પર જોવા મળ્યા હતા