અમેરિકાના કેટલાંક બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા માટે અરજી કરનારાઓએ હવે 15,000 ડોલર સુધીના બોન્ડ આપવા પડશે. વિઝા સમયગાળા કરતાં વધુ સમય રહેતા વિઝિટર્સને અંકુશમાં લેવા માટે અમેરિકા બે સપ્તાહમાં એક પાયલોટ પ્રોગ્રામ લોન્ચ કરશે. આ પ્રોગ્રામ હેઠળ યુ.એસ. કોન્સ્યુલર અધિકારીઓને એવા દેશોના મુલાકાતીઓ પાસેથી બોન્ડ લેવાનો હક મળશે કે જ્યાં વિઝા ઓવરસ્ટેનો દર ઊંચો હોય છે.
ફેડરલ રજિસ્ટરની નોટિસમાં જણાવાયું છે કે જ્યાં સ્ક્રીનીંગ અને ચકાસણીની માહિતી અપૂરતી હોય તેવા કિસ્સામાં લોકો પાસેથી બોન્ડ લઈ શકાશે. 20 ઓગસ્ટથી અમલમાં આવનાર નવો વિઝા પ્રોગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલશે.
કોન્સ્યુલર અધિકારીઓ $5,000, $10,000 અથવા $15,000 એમ ત્રણ વિકલ્પમાં બોન્ડ માગી શકશે. પરંતુ સામાન્ય રીતે ઓછામાં ઓછા $10,000ના બોન્ડની જરૂર પડશે.
નોટિસમાં જણાવાયું છે કે જો મુસાફરો તેમના વિઝાની શરતો અનુસાર અમેરિકાથી રવાના થશે તો તેમને આ બોન્ડની રકમ પરત કરાશે.
નોટિસમાં જણાવાયું છે કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના છેલ્લા મહિના દરમિયાન નવેમ્બર 2020માં આવો પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોના મહામારી સાથે સંકળાયેલ વૈશ્વિક મુસાફરીમાં ઘટાડો થવાને કારણે તેનો સંપૂર્ણ અમલ થયો ન હતો.
આ પ્રોગ્રામ હેઠળ જે દેશોનું ઓવરસ્ટેનું પ્રમાણ વધારે છે તથા જે દેશોમાં આંતરીક દસ્તાવેજની સુરક્ષા માટેની પૂરતી વ્યવસ્થા નથી તેવા દેશોના અરજદારોએ વિઝા અરજી કરવા માટે 5,000, 10,000 અથવા 15,000 ડોલરના બોન્ડ આપવાના રહેશે. આ પ્રોગ્રામ અમલી બનાવવાનો હેતુ, એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ વિદેશી મુલાકાતી તેના વિઝાના નિયમોનું પાલન ના કરે તો તેના માટે અમેરિકાની સરકાર નાણાકીય રીતે જવાબદાર નહીં ગણાય.
