બિન-નિવાસી ભારતીયો (NRIs)ના મેડિકલ ટુરિઝમને કારણે ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીના વેચાણમાં ઉછાળો આવ્યો છે. 2024-25ના નાણાકીય વર્ષમાં એનઆરઆઇ હેલ્થ ઇન્સ્યોરન્સ ગ્રાહકોમાં વાર્ષિક ધોરણે 150 ટકાનો મોટો વધારો થયો હતો, એમ પોલિસીબજારના ડેટામાં જણાવાયું હતું.
ભારતમાં આરોગ્ય સંભાળ સેવાઓ બીજા દેશોની સરખામણીમાં સસ્તી અને સારી ક્વોલિટીની છે. તેથી વિદેશમાં રહેતા ભારતીયો ડોમેસ્ટિક હેલ્થ કવરેજ સાથે સારવાર કરાવતા હોય છે. વધુને વધુ NRI ભારતીય વીમા પોલિસીઓ ખરીદી રહ્યાં છે, જેથી તેઓ પોતાના માટે અથવા વૃદ્ધ માતાપિતાનો સારવારનો ખર્ચ ઉઠાવી શકે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતા એનઆરઆર ગ્રાહકોમાં મહિલા ગ્રાહકોમાં વાર્ષિક ધોરણે 125 ટકા સુધીનો અને 35 વર્ષ સુધીના ગ્રાહકોમાં 148 ટકા સુધીનો વધારો થયો હતો. લગભગ અડધા (46%) NRI દાવાઓ હવે ટીયર-3 શહેરોમાંથી થયા હતાં, જ્યાં ઘણા વૃદ્ધ સંબંધીઓ રહે છે. ચેપી અને શ્વસન રોગોની સારવારના સૌથી વધુ દાવાઓ થયા હતા. આ પછી બીજા ક્રમે કેન્સર અને હૃદયની સારવારના દાવા થયાં હતાં.
ભારતનો આરોગ્ય વીમો અન્ય દેશોની સરખામણીમાં ઘણો સસ્તો છે. પ્રીમિયમ સરેરાશ વાર્ષિક $120થી $300 હોય છે, જ્યારે અમેરિકામાં $8,000 કે તેથી વધુ અને ગલ્ફ દેશોમાં $4,000થી $5,000 હોય છે. ભારતમાં હાર્ટ બાયપાસ સર્જરીનો ખર્ચ $5,000-$8,000 છે, જ્યારે અમેરિકામાં $150,000 સુધીનો ખર્ચ થાય છે.આ ઉપરાંત ભારતમાં કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ પશ્ચિમી દેશોની તુલનાએ ઘણો ઓછો છે.ભારતના મજબૂત જેનેરિક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને કારણે દવાઓ પણ ઘણી સસ્તી છે.
“હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા ફોર NRIs”ના શીર્ષક હેઠળની ઓનલાઇન સર્ચમાં વાર્ષિક ધોરણે 60 ટકાનો વધારો થયો હતો, જ્યારે વિદેશી નાગરિકો માટે સારવારના વિકલ્પોની સર્ચમાં છેલ્લા 18 મહિનામાં 45%નો વધારો થયો હતો.
આ ઉપરાંત ભારતમાં કોઇ પણ સર્જરી માટે મોટાભાગે વેઇટિંગ પીરિયડ હોતો નથી. અંગ્રેજી ભાષા જાણતો તબીબી સ્ટાફ અને મજબૂત સહાયક માળખાગત સુવિધા પણ છે. આ તમામ પરિબળોને કારણે ભારતનું મેડિકલ ટુરિઝમ માર્કેટ 2026 સુધીમાં 13 અબજ ડોલરનું થવાનો અંદાજ છે.
