અમેરિકાની સધર્ન યુનિવર્સિટી, હાવર્ડ યુનિવર્સિટી, બોવી સ્ટેટ યુનિવર્સિટી, બેથ્યુન કુકમેન યુનિવર્સિટી, ડેલાવેર સ્ટેટ યુનિવર્સિટી અને અલ્બાની સ્ટેટ યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓને બોંબથી ઉડાવી દેવાની તાજેતરમાં ધમકી મળી હતી. આ ધમકી મળ્યા પછી તમામ યુનિવર્સિટીને હાઇ એલર્ટ પર મુકવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં HBCUનો પણ સમાવેશ થાય છે, જેની સ્થાપના અશ્વેત અમેરિકન માટે કરવામાં આવી હતી. એક જ મહિનામાં બોંબ વિસ્ફોટની કરવાની ધમકી આપવાની આ બીજી ઘટના છે. કથિત રીતે એક ખાનગી ઇવેંજિકલ સ્કૂલ જુડસન યુનિવર્સિટીને પણ આ પ્રકારની ધમકી આપવામાં આવી છે.
લુસિયાનાની સધર્ન યુનિવર્સિટીમાં આ ધમકી મળ્યા પછી ક્લાસ રદ્ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા જણાવવામાં આવ્યું હતું. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘સધર્ન યુનિવર્સિટી અને એ એન્ડ એમ કોલેજને ધમકી મળી હતી. અને વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં રહેવા કહેવાયું હતું.’ આ યુનિવર્સિટીમાં અંદાજે છ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં બોંબ વિસ્ફોટની ધમકી મળ્યા પછી વોશિંગ્ટન ડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ યુનિવર્સિટીમાં અંદાજે નવ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાંથી કોઇ ખતરનાક વસ્તુ મળી નથી. અલ્બાની સ્ટેટ યુનિવર્સિટીમાં પણ 6500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કર્મચારીઓ-વિદ્યાર્થીઓને કેમ્પસમાં ન જવા કહેવામાં આવ્યું હતું.
બોવી સ્ટેટ યુનિવર્સિટીના મેરિલેન્ડ કેમ્પસના વિદ્યાર્થીઓને ઇમરજન્સી જેવી સ્થિતિને કારણે શેલ્ટરમાં છૂપાવવું પડ્યું હતું. પોલીસે તમામ યુનિવર્સિટીમાં તપાસ કરી હતી પરંતુ કોઇપણ કેમ્પસમાંથી કંઇ વાંધાજનક વસ્તુ મળી નહોતી.