કોરોના વાઇરસ ખતમ થાય તો પણ ફ્લાઇટમાં માસ્ક પહેરવાનો નિયમ અનેક વર્ષો સુધી યથાવત રહેશે તેવું નિષ્ણાતો માને છે. તેમના જણાવ્યા અનુસાર કોરોના અંગેના વૈશ્વિક સ્તરના પ્રતિબંધોમાં માસ્ક પહેરવા અંગે સૌથી છેલ્લે છૂટછાટો આપવામાં આવી શકે છે.
વિશ્વભરના વિવિધ નિયમો અંતર્ગત મુસાફરોને માસ્ક વગર મુસાફરી કરવાની મંજૂરી આપવા માટે એરલાઇન્સ માટે વ્યક્તિગત રીતે નિયમ બનાવવાનું નજીકના ભવિષ્યમાં અશક્ય લાગી રહ્યું છે. એક મીડિયા રીપોર્ટ મુજબ, યુકેની એરલાઇન્સ કંપનીઓ નીતિ બદલતા અગાઉ ‘આંતરરાષ્ટ્રીય અનુકૂળતા’ ઇચ્છે છે અને તે નિયમોને સરળ બનાવતી વખતે ‘એકરૂપ બનીને કાર્ય કરશે’.
એક વરિષ્ઠ એવિએશન સૂત્રએ જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી વિશ્વભરની સરકારો દ્વારા ફ્લાઇટ્સમાં ફરજિયાત માસ્ક પહેરવાના આદેશને એક થઇને રદ્ કરવામાં નહીં આવે ત્યાં સુધી એરલાઇન્સ માટે નિયમોનું પાલન કરવું સરળ છે.’
રાયનએરના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર નીલ સોરાહને જણાવ્યું હતું કે, નિયમોમાં ફેરફાર કરવાની તેમની કોઈ યોજના નથી. ‘માસ્ક એવી વસ્તુ હશે જે આવનારા સમય માટે આપણી સાથે રહેશે. તે એવી કિંમત છે જેને આપણે આવનારા થોડા મહિના સુધી ચૂકવવી પડશે, જ્યારે ઉનાળામાં તેની નાની કિંમત ચૂકવવી પડશે. સોરાહને જણાવ્યું હતું કે, જેમ મુસાફરો માટે સુરક્ષામાં હેન્ડ લગેજમાંથી પ્રવાહી કાઢી નાખવાના નિયમો છે, તેવી રીતે માસ્ક પહેરવાનો નિયમ પણ લંબાવાશે. જ્યારે વર્ષ 2006માં પ્રવાહી વિસ્ફોટકોનો ઉપયોગ કરીને એરલાઇનર્સને ઉડાવી દેવાના કાવતરાને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો ત્યારે તેને કટોકટીના પગલાં તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, તે ત્યારથી અમલમાં છે.
મોટાભાગની બ્રિટિશ એરલાઈન્સ યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી અને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન સહિતની સંસ્થાઓની માર્ગદર્શિકાનું પાલન કરી રહી છે. આ સંસ્થાઓએ ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન ભોજન સિવાયના સમયમાં માસ્ક પહેરવાની ભલામણ કરી છે. જ્યારે પ્રથમ લોકડાઉન પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ત્યારે એરલાઈન્સને શરૂઆતમાં ડર હતો કે તેઓ વચ્ચેની બેઠકો ખાલી રાખીને ફ્લાઇટ ઉપાડશે. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, માસ્ક પર્યાપ્ત સુરક્ષા આપે છે.
એક એરલાઇનના સૂત્રએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સુરક્ષિત સ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી અમે સુપરમાર્કેટસની જેમ આ નિયમ અમલમાં રાખીશું. ઉદાહરણ તરીકે, અમેરિકામાં માસ્ક અંગના નિયમો ખૂબ જ સ્પષ્ટ છે. જ્યારે અમે તેમની એરસ્પેસમાં પ્રવેશીએ છીએ ત્યારે મુસાફરોને તે પહેરવાનું કહેવું અમારા માટે હાસ્યાસ્પદ બનશે.