કોરોના વાઇરસ સામે ફૂલી વેક્સિનેટેડ તમામ હવાઇ મુસાફરો માટે નવેમ્બરથી અમેરિકાના દ્વાર ફરી ખૂલશે. ભારત સહિતના 33 દેશોના ફુલી વેક્સિનેટેડ પ્રવાસીઓ અમેરિકામાં પ્રવેશ કરી શકશે. હાલમાં માન્ય વેક્સિનની યાદીમાં ભારતમાં ઉત્પાદિત એકમાત્ર કોવિશિલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવેમ્બરથી શેનજેન દેશોમાં સામેલ 26 દેશોના ફુલી વેક્સિનેટેડ એર ટ્રાવેલર અમેરિકામાં પ્રવેશ કરી શકશે. આ દેશમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, ગ્રીસ, બ્રિટન, આર્યલેન્ડ, ચીન, ભારત, સાઉથ આફ્રિકા, ઇરાન અને બ્રાઝિલનો સમાવેશ થાય છે.

આ નિર્ણયની જાહેરાત કર્યા બાદ વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે કઇ વેક્સિનને માન્ય ગણાશે તેનો આખરી નિર્ણય યુએસ સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) કરશે. દેશની આ ટોચની મેડિકલ એજન્સીએ જણાવ્યું છે કે એફડીએ માન્ય અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્ય કરવામાં આવેલી વેક્સિન લીધેલા વ્યક્તિઓને ફુલી વેક્સિનેટેડ ગણે છે.

વિદેશી નાગરિકોએ વેક્સિનેશનનું પ્રુફ રજૂ કરવું પડશે અને એરાઇવલ વખતે ક્વોન્ટાઇન થવાની જરૂર નથી. WHOએ અત્યાર સુધી માત્ર સાત વેક્સિનને મંજૂરી આપી છે. તેમાં મોડર્ના, ફાઇઝર-બાયોએનટેક, જોન્સન એન્ડ જોન્સન, ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા, કોવિશીલ્ડ (ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા ફોર્મ્યુલેશન અને ચીનની સિનોફાર્મ અને સિનોવેકનો સમાવેશ થાય છે.

ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન માન્ય ગણાશે નહીં, કારણ કે તેને ડબ્લ્યુએચઓ કે યુએસ એફડીએએ મંજૂરી આપી નથી. કોવેક્સિનનને આ મહિને WHO મંજૂરી આપે તેવી શક્યતા છે.