ટોચની વોલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ બેંકે ચેતવણી આપી છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ વર્ષે અમેરિકાનું અર્થતંત્ર સૌથી નીચું જશે. મોર્ગન સ્ટેનલીના અર્થશાસ્ત્રીઓએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે, 2019ની સરખામણીએ જીડીપીનો દર 4.3 ટકા જેટલો નીચે જશે, આ ઉપરાંત તેમણે દર વધુ નીચે જવાનું પણ અનુમાન કર્યું છે. બેંકના અર્થશાસ્ત્રીઓ કહે છે કે, કોરોનાના કારણે અગાઉ કરતા સ્થિતિ વધુ બગડશે અને મંદીનું વાતાવરણ વધશે. બીજા ક્વાર્ટરમાં અંદાજે 40 મિલિયન લોકો નોકરી ગુમાવશે.

અમેરિકાની આ સ્થિતિની અસર તેના સૌથી વધુ વ્યાપારિક સંબંધો ધરાવતા બ્રિટન જેવા દેશો પર પડશે. છેલ્લા બે અઠવાડિયામાં 10 મિલિયન કરતા વધુ અમેરિકનોએ બેરોજગારી લાભ મેળવવા માટે દાવા કર્યા છે. આ લોકોને ઘરમાં રહેવા જણાવાયું હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. મોર્ગન સ્ટેનલીના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, વિવિધ રાજ્યોમાં પ્રતિબંધો લદાતાં અમેરિકામાં આર્થિક પ્રવૃત્તિઓ અત્યારે ખોરવાઇ ગઇ છે.

બીજા ક્વાર્ટરમાં જીડીપીના દરમાં પણ વિક્રમજનક ઘટાડો નોંધાય તેવું અનુમાન છે. આ ઉપરાંત બેરોજગારી પણ 4.4 ટકા વધીને 15.7 ટકા પહોંચશે. બીજા ક્વાર્ટરમાં બેરોજગારી 21 મિલિયન પર પહોંચશે. ત્રીજા ક્વાર્ટરમાં અર્થતંત્ર બેઠું થશે અને વાર્ષિક 21 ટકાના દરે વિકાસ કરશે. એટલે કે વર્ષની શરૂઆતથી થયેલા નુકસાનના ફક્ત 35 ટકા જેટલું જ ભરપાઇ થઇ શકશે.