કોરોના વાયરસ હવે દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે. અનેક દેશોમાં આ વાયરસથી મોતના મામલા સામે આવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાવાયરસથી 6 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ તમામ મોત વૉશિંગટનમાં થયા છે. અમેરિકન ચેનલના રિપોર્ટ મુજબ, કોરોનાવાયરસથી મરનારા કુલ 6 લોકોમાંથી 4 સિયાટેલના કિર્કલેન્ડ સ્થિત લાઇફ કેર સેન્ટર નર્સિંગમાં દાખલ હતા. આ દરમિયાન અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ માઇક પેંસે કહ્યું કે, કોરોનાવાયરસની સારવાર કરવા માટે ઉનાળો આવ્યા સુધીમાં દવાઓ મળી શકશે.

ૃમાઇક પેંસે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. તેઓએ કહ્યું કે, જોકે કોરોનાવાયરસની વેક્સીન આ વર્ષના અંત સુધી કે આવતા વર્ષની શરૂઆત સુધી કદાચ ઉપલબ્ધ નહીં થઈ શકે, પરંતુ કોરોનાવાયરસ સંક્રમણથી પીડિત લોકોની સારવાર માટે આ ઉનાળા સુધી દવાઓ ઉપલબ્ધ થઈ શકશે.પેંસે વધુમાં જણાવ્યું કે, ગિલિએડ કંપનીની દવાઓ રેમડેસિવિરનો ઉપયોગ અમેરિકામાં કોરોનાવાયરસના એક દર્દીની સારવાર માટે કરવામાં આવી ચૂક્યો છે. જોકે આ તમામ ટેસ્ટિંગ રૂપે કરવામાં આવ્યા છે.

વિદેશી નાગરિકોને અમેરિકા આવવા પર પ્રતિબંધ – નોંધનીય છે કે, સેન્ટર ફૉર ડિસીસ કન્ટ્રોલ ડાયરેક્ટર રૉબર્ટ રેડફીલ્ડ અનુસાર અમેરિકામાં અત્યાર સુધી કોરોનાવાયરસના 46 કેસ સામે આવી ચૂક્યા છે.અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ માઇક પેંસે કહ્યું કે ટ્રમ્પે તે વિદેશી નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે જેઓએ છેલ્લા 14 દિવસમાં ઈરાનનો પ્રવાસ કર્યો હતો.અમેરિકાએ પોતાના નાગરિકોને સલાહ આપી છે કે તેઓ દક્ષિણ કોરિયા અને ઈટલીના એ હિસ્સામાં પ્રવાસ કરવાથી બચો જ્યાં કોરોનાવાયરસના મામલા સામે આવ્યા છે.