અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકામાં હાલના કોરોના વાઈરસના રોગચાળાના પગલે તમામ પ્રકારના ઇમિગ્રેશન હંગામી ધોરણે સસ્પેન્ડ કરતા એક્ઝીક્યુટીવ ઓર્ડર ઉપર હસ્તાક્ષર કરાશે. પ્રમુખ ટ્રમ્પે ટ્વિટર ઉપર અદૃશ્ય દુશ્મનની યાદ અપાવીને ઉમેર્યું હતું કે, અમેરિકનોના રોજગારની સુરક્ષા જરૂરી છે. ટ્રમ્પે વધુ વિગતો નહીં આપતા કયા કાર્યક્રમોને અસર થશે તે સ્પષ્ટ થયું નથી. પ્રમુખ આવો આદેશ કરી શકે કે કેમ (તેમને એવી સત્તા છે ખરી) તેની અસ્પષ્ટતા વચ્ચે સરકારના ટીકાકારોએ જણાવ્યું હતું કે, સરકાર ઇમિગ્રેશનને નિશાન બનાવવા રોગચાળાનો ઉપયોગ કરી રહી છે.

ટ્રમ્પની જાહેરાત વચ્ચે વ્હાઇટ હાઉસે દલીલ કરી હતી કે, રોગચાળાનો સૌથી કપરો અને વરવો કાળ પૂરો થયો છે અને હવે બધું ફરીથી શરૂ કરી શકાશે. ઘણા રાજ્યોએ રોગચાળાનો ફેલાવો અટકાવવા લાદેલા નિયંત્રણો અને લોકોની અવરજવર અટકાવાતા અર્થતંત્ર ઠપ થઇ ગયું છે.છેલ્લા ચાર સપ્તાહમાં 20 મિલિયનથી વધારે અમેરિકનોએ બેરોજગારી ભથ્થા માટે દાવા કર્યા છે જે અગાઉના દાયકામાં ઊભા કરાયેલા રોજગારની બરાબર થવા જાય છે.પ્રમુખ ટ્રમ્પના નિર્ણયથી કોને અસર થઇ શકશે તે તત્કાળ સ્પષ્ટ ન હતું. વ્હાઇટ હાઉસે આ મુદ્દે કોઇ ટિપ્પણી પણ કરી નથી.

ટ્રમ્પે ગયા મહિને ઇમિગ્રન્ટ્સ માટેની સહિત લગભગ તમામ વિઝા પ્રક્રિયા સ્થગિત કરી હતી. અમેરિકાએ કેનેડા અને મેક્સિકો સાથે બિન આવશ્યક અવરજવર ઉપરના સરહદી મુસાફરી નિયંત્રણો મે માસના મધ્ય સુધી લંબાવવા સંમતિ સાધેલી છે.યુરોપીયન દેશો અને ચીન સાથેના મુસાફરી નિયંત્રણે પણ આકરા બનાવાયા છે, જોકે હંગામી વર્ક વીઝાવાળા લોકો, વિદ્યાર્થીઓ અને બિઝનેસ ટ્રાવેલર્સને પ્રવાસ નિયંત્રણોમાંથી મુક્તિ અપાઇ છે.

તાજેતરના સપ્તાહોમાં મેક્સિકો સાથેની અમેરિકાની સરહદે હજારો ડોક્યુમેન્ટ્સ વિનાના માઇગ્રન્ટ્સને હાંકી કાઢવાના ઇમર્જન્સી પાવરનો ઉપયોગ કરાયો હતો. જાહેર આરોગ્યના પગલાંથી અધિકારીઓ ઇમિગ્રેશન કાયદા ઉપર હાવી થતાં હકાલપટ્ટી પ્રક્રિયા ઝડપી બની છે. વિરોધીઓએ એવું પણ કહ્યું હતું કે વિદેશીઓની અવરજવર તો લોકડાઉનના કારણે બંધ જ છે ત્યારે આનો મતલબ શું રહે?