ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તરીકે પુષ્કરસિંહ ધામીની પસંદગી કરવામાં આવી છે. આજે દહેરાદૂનમાં ધારાસભ્યોની બેઠકમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે ધામીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને સહુએ અનુમોદન આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, ધામી આજે સાંજે શપથ લઈ શકે છે. કેન્દ્ર દ્વારા કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને નિરીક્ષક તરીકે દેહરાદૂન મોકલવામાં આવ્યા હતા. આ વખતે ભાજપના તમામ અનુભવી ચહેરાઓને સાઈડમાં રાખીને યુવા ચહેરાને મહત્વ આપવામાં આવ્યું છે. પોતાના નામની જાહેરાત થયા પછી પુષ્કર સિંહે કહ્યું, પાર્ટીએ એક સામાન્ય કાર્યકર્તા, એક ભૂતપૂર્વ સૈનિકના પુત્રની રાજ્યની સેવા માટે પસંદગી કરી છે. અમે લોકોની ભલાઈ માટે મળીને કામ કરીશું. અમે ઓછા સમયમાં લોકોની સેવા કરવાનો પડકાર સ્વીકારીએ છીએ.
પુષ્કરસિંહ ખટીમા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર 1975માં પિથૌરાગઢના ટુંડી ગામમાં થયો હતો. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમણે સરકારી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધુ હતું. ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાથી પરિવારની જવાબદારીઓ તેમના પર આવી હતી.