REUTERS/Shankar Prasad Nautiyal

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલના 13 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બચાવવાના અભિયાનમાં શનિવારે મોટો અવરોધ આવ્યો હતો. કાટમાળમાં ડ્રિલિંગ કરી રહેલા અમેરિકન ઓગર મશીનની બ્લેડ્સ કાટમાળમાં ફસાઈ ગઈ હતી અને તેનાથી આ મશીન નકામું બન્યું છે અને અધિકારીઓ હવે બીજા વિકલ્પોની વિચારણા કરી રહ્યા છે. તેનાથી મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં હજુ એક મહિનાનો સમય લાગવાની શક્યતા છે. ચારધામ પ્રોજેક્ટના ભાગરૂપે આ ટનલ બનાવવામાં આવી રહી છે.

રેસ્ક્યુ અધિકારીઓ હવે બે વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પ્રથમ વિકલ્પ કાટમાળના બાકીના 10 અથવા 12 મીટરના પટમાંથી મેન્યુઅલ ડ્રિલિંગ કરવાનો છે. બીજો વિકલ્પ ઉપરથી 86 મીટર નીચે ડ્રિલિંગ કરવાનો છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને દિલ્હીમાં જણાવ્યું હતું કે “આ ઓપરેશનમાં લાંબો સમય લાગી શકે છે.” ઘટનાસ્થળ પરથી આંતરરાષ્ટ્રીય ટનલિંગ સલાહકાર આર્નોલ્ડ ડિક્સે “ક્રિસમસ સુધીમાં” કામદારોને બહાર કાઢવાના તેમના વચનનું પુનરાવર્તન કર્યું હતું.

ઓગર મશનથી અત્યાર સુધી 47 મીટરનું ડ્રિલિંગ કરીને રેસ્ક્યુ પેસેજ બનાવાયો છે. જો મેન્યુએલ ડ્રિલિંગ થશે તો આ પેસેજમાં જઇને કામદારો ખોદકામ કરશે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીના જણાવ્યા અનુસાર આયોજિત એસ્કેપ પેસેજમાં ફસાયેલા ઇક્વિપમેન્ટને બહાર કાઢવામાં આવ્યા પછી આ કામગીરી ચાલુ થઈ શકે છે.

બીજી તરફ વર્ટિકલ ડ્રિલિંગ (ટનલમાં ઉપરથી) માટે શનિવારે સાઇટ પર હેવી ઇક્વિપમેન્ટ લાવવામાં આવ્યાં હતા. અગાઉ અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ટિકલ ડ્રિલિંગમાં ઘણા સપ્તાહ લાગી શકે છે. આ પ્રક્રિયા આગામી 24 થી 36 કલાકમાં શરૂ થશે. તેમણે સૂચવ્યું કે હવે જે બે મુખ્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તેમાંથી વર્ટિકલ ડ્રિલિંગ ઝડપી છે.

શુક્રવાર લગભગ આખો દિવસ ડ્રિલિંગ અટકી ગયું હતું, પરંતુ સમસ્યાની કેટલી મોટી છે તે શનિવારે ખબર પડી હતી. આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ડિક્સે પત્રકારોને જણાવ્યું હતું કે ઓગર મશીન તૂટી ગયું છે. ઓગર મશીન તૂટી ગયું છે અને નાશ પામ્યું છે.

 

LEAVE A REPLY

twenty − thirteen =