ભારતમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે કોરોના રસીકરણનો બીજો તબક્કો પહેલી માર્ચથી ચાલુ થશે. બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકો તથા 45 વર્ષથી વધુ ઉંમરના વિવિધ બિમારીઓથી પીડિત લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે, બીજા તબક્કામાં 27 કરોડ લોકોને આવરી લેવાની યોજના છે, એમ કેન્દ્રીય પ્રકાશ જાવડેકરે બુધવારે જણાવ્યું હતું. વિવિધ બિમારી (કોમોર્બિડિટી) કોને ગણાશે તેની વિગત આરોગ્ય મંત્રાલય જારી કરશે.
જાવડેકરે જણાવ્યું હતું કે સરકાર સંચાલિત 10,000 સેન્ટર અને 20,000 ખાનગી સેન્ટર્સમાં વેક્સિન આપવામાં આવશે. સરકારી સેન્ટર્સમાં કોઇ ચાર્જ વગર વેક્સિન મળશે, જ્યારે ખાનગી સેન્ટરમાં વેક્સિનનો ચાર્જ આગામી થોડા દિવસોમાં નક્કી કરાશે.

તેમણે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલ્સમાંથી વેક્સિન લેવા માગતા લોકોએ ચાર્જ ચુકવવો પડશે. આ ચાર્જ આગામી થોડા દિવસોમાં આરોગ્ય મંત્રાલય નક્કી કરશે, કારણ કે મંત્રાલયની ઉત્પાદકો અને હોસ્પિટલ્સ સાથે મંત્રણા ચાલે છે.
સરકારે જણાવ્યું હતું કે બીજા તબક્કામાં આશરે 27 કરોડ લોકોને આવરી લેવામાં આવશે. આમાંથી 10 કરોડ લોકો 60 વર્ષથી મોટી ઉંમરના હશે.

ગયા મહિને સૂત્રોએ જણાવ્યું હતું કે બીજા તકબ્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા 50 વર્ષથી મોટી ઉંમરના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો અને સાંસદો અને ધારાસભ્યોને વેક્સિન આપવામાં આવશે.
જાવડેકરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાં 1.7 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. 14 લાખ લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.