મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)ના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. જૂન રૈને જણાવ્યું હતું કે ‘’લોકોને રસી લેવા પ્રત્યે વાસ્તવિક આત્મવિશ્વાસ હોઈ શકે છે. ફાઇઝર બાયોએનટેકની રસીને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની ચકાસણી, સલામતી અને અસરકારકતા તથા ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો મળ્યા છે. કાળજીપૂર્વક રસીકરણ પછી પણ તમામ સલામતીના મુદ્દાઓને અમે અનુસરીશું. રસી અપાવાનું શરૂ થાય એટલે અમારી જવાબદારી સમાપ્ત થતી નથી.”

મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) એ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં લાયસન્સ આપવા માટે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી, અને આ રસી ચોવીસેય કલાક કામ કરતા નિષ્ણાતો દ્વારા ખૂબ તપાસ બાદ તૈયાર કરવામાં આવી છે. યુકેએ ખરીદેલા 40 મિલીયન રસીના ડોઝ 95%ની અસરકારકતા ધરાવે છે.

ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર જોનાથન વેન-ટેમે જણાવ્યું હતું કે ‘’ગત બુધવારે સવારે રસીને મંજૂરી આપવાની ઘોષણાએ તેમને “એકદમ ભાવનાશીલ” કરી દીધા હતા. આ રસીના કારણે વાયરસથી થતા 99% મૃત્યુને રોકવામાં મદદ મળશે જેણે યુકેમાં 75,000 જેટલા લોકોના જીવન લીધો હોવાનો દાવો કરાય છે.

ચેટ શોના હોસ્ટ સર માઇકલ પાર્કિન્સન અને ગાયક લુલુ સહિતના પ્રખ્યાત ચહેરાઓએ સન્ડે મિરરને કહ્યું હતું કે તેઓ ખચકાટ વિના કોરોનાવાયરસ રસી લેશે.

બીબીસીના એન્ડ્ર્યુ માર શોમાં બોલતા, ડૉ. રૈને શપથ લેતાં જણાવ્યું હતું કે ‘’યુકેમાં જેમને જરૂર છે તે તમામ લોકો સુધી રસી પહોંચશે. બ્રેક્ઝિટ પછીની વાટાઘાટોમાં જે કાંઇ પણ પરિણામ આવે અમારા અધિકારીઓ “સંપૂર્ણ રીતે તૈયાર છે”.