કોરોના વેક્સીનના મુદ્દે યુરોપિયન યુનિયન સાથે થયેલા વિવાદમાં અંતે ભારતનો વિજય થયો છે. હવે યુરોપના નવ દેશોએ કોવિશિલ્ડને વેક્સીન પાસપોર્ટ અથવા ગ્રીન પાસ મંજૂરી આપી છે. આ દેશમાં જર્મની, સ્લોવેનિયા, ઓસ્ટ્રિયા, ગ્રીસ, આયર્લેન્ડ, એસ્ટોનિયા અને સ્પેન સામેલ છે. આ તમામ દેશો યુરોપિયન યુનિયનના મેમ્બર સ્ટેટ છે. આ ઉપરાંત આઈસલેન્ડ અને સ્વિટઝર્લેન્ડનો પણ સમાવેશ થાય છે.

મંજૂરી મળવાનો મતલબ છે કે હવે જે લોકોએ કોવિશિલ્ડ વેક્સીન લીધી છે તે લોકોને આ દેશોમાં ટ્રાવેલ પ્રતિબંધોમાંથી મુક્તિ મળશે. ભારતે બુધવારે યુરોપિયન યુનિયનને સ્પષ્ટ ભાષામાં જણાવી દીધું હતું કે જો તેઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનને મંજૂરી નહીં આપે તો ભારત પણ યુરોપિયન યુનિયનના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટને માન્યતા આપશે નહીં.
યુરોપિયન યુનિયન વેક્સીન પાસપોર્ટ પ્રોગ્રામ જે લોકોએ વેક્સીન લીધી હોય તેમને 1 જૂલાઈથી તેમના દેશોમાં કોઈ પણ જાતના બંધન વગર ફરી શકે છે. જોકે, યુરોપિયન યુનિયને ચાર જ વેક્સીનને આ માટેની મંજૂરી આપી છે. જેમાં ફાઈઝર-બાયોએનટેકની કોમિર્નેટી, મોર્ડના, એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની વેક્સઝેરર્વિયા તથા જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સીનને મંજૂરી આપી હતી.