(istockphoto.com)

વિશ્વના ધનિક દેશો કોરોના વાઇરસ માટેની રસીનો પોતાની સમગ્ર વસ્તીને માટે જરૂરી હોય તેના કરતાં ત્રણ ગણા જેટલો જથ્થો ખરીદી લીધો છે તેના કારણે ગરીબ દેશોમાં કરોડો લોકો રસીથી વંચિત રહેશે તેવી આશંકા અનેક સંગઠનોએ વ્યક્ત કરી છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને અન્ય સંથાઓએ જણાવ્યું હતું કે, ધનિક દેશોએ પોતાની વસ્તીને વર્ષ 2021ના અંત સુધી સુરક્ષિત રાખવા માટે કુલ વસ્તીના ત્રણ ગણાથી વધુ રસી ખરીદી લીધી છે. જેના કારણે ગરીબ દેશોમાં કરોડો લોકો રસીથી વંચિત રહે તેવી આશંકા છે. બ્રિટને ફાઇઝરની રસીને આ મહિને મંજૂરી આપી છે. તેમને આશા છે કે, આ વૈશ્વિક મહામારીથી લોકોને છૂટકારો મળશે. જોકે, એમનેસ્ટી, ફ્રંટલાઇન એઈડ્સ, ગ્લોબલ જસ્ટિસ નાવ, ઓક્સફામ અને અન્ય સંસ્થાઓએ સરકારો અને અન્ય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને અનુરોધ કર્યો છે કે, તેઓ વ્યાપક સ્તરે રસીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વર્ષે વિવિધ દેશની સરકારને અનુરોધ કર્યો હતો કે, રસી જનતાના હિતમાં છે. ઓર્ગેનાઇઝેશને કોવેક્સ નામના વૈશ્વિક રસી કાર્યક્રમ અંતર્ગત કોવિડ રસીના સહુને સમાન વિતરણની અપીલ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તેમાં 189 દેશો સામેલ છે. પરંતુ અમેરિકા જેવા દેશ આ કાર્યક્રમમાં સામેલ થયા નથી. અમેરિકા અને કેટલાક અન્ય દેશોએ કોરોના રસી અંગે ફક્ત દ્વિપક્ષી કરાર કર્યા છે. કોવેક્સનું માનવું છે કે 2021ના અંત સુધીમાં બે અબજ લોકોને રસી આપી શકાશે.