વિશ્વના સૌથી ઉંચા પર્વત-એવરેસ્ટની ઉંચાઇ માપવા માટે નેપાળની સરકારે 1.10 મિલિયન ડોલર ખર્ચ્યા હોવાનું તેના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. નેપાળના ડીપાર્ટમેન્ટ ઓફ સર્વેના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુશીલ દંગોલે જણાવ્યું હતું કે, નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ સાગરમઠના નામે ઓળખાય છે અને શિખરની ઉંચાઇ ફરીથી માપવાના કામમાં અંદાજે 80 લોકોએ સખત મહેનત કરી છે.

દંગોલના નેતૃત્ત્વમાં ટીમે 22 મે, 2019 ના રોજ એવરેસ્ટ શિખરનો ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ) સર્વે કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ નક્કી કરતા અગાઉ સર્વે કરવા નેપાળની સરકારે એક મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. જોકે ફિલ્ડ વર્ક ફેબ્રુઆરી 2018માં શરૂ થયું હતું અને સર્વે મે 2019માં કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત, સેટેલાઇટ સિસ્ટમ ટેકનિકલ ટીમ દ્વારા કુલ 298 પોઇન્ટ પર સર્વે પૂર્ણ કરાયો હોવાનું દંગોલે જણાવ્યું હતું.