સરકારનું માનવું છે કે ફાઈઝર દ્વારા સમર્થિત એક જર્મન વેક્સીન, ક્રિસમસ પહેલાં વહેંચવા માટે તૈયાર થઈ શકે છે, વૃદ્ધો અને સંવેદનશીલ લોકો માટે પ્રથમ ડોઝ અનામત રાખવામાં આવ્યો છે. બ્રિટને પહેલાથી જ કોરોનાવાયરસની રસીના 20 મિલીયન લોકો માટેના ડોઝ પૂરતા પ્રમાણમાં ખરીદી લીધા છે અને ધારણા છે કે જો વેક્સીન સફળ હોવાનું જાહેર થશે તો કેટલાક લોકો માટે તે તરત જ ઉપયોગ માટે ઉપલબ્ધ થશે.

ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ, આલ્બર્ટ બૌરલાએ જણાવ્યું હતું કે આ રસી “છેલ્લી માઇલ” માં છે અને ફાર્માસ્યુટિકલ કંપની અઠવાડિયાઓમાં જ પરિણામની અપેક્ષા રાખે છે. વરિષ્ઠ સરકારી સ્ત્રોતો અપેક્ષા રાખે છે કે  રસી કામ કરે છે કે કેમ તે અંગેનો ચુકાદો ઑક્સફર્ડની રસી પહેલાં ઉપલબ્ધ થશે. ઓક્સફર્ડની રસી ક્રિસમસ સુધી પરિણામો આપી શકશે નહીં એમ મનાય છે.

ઇમ્પીરીયલ કોલેજ લંડનના અભ્યાસમાં ચેપમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી અને જાણવા મળ્યું છે કે ઇંગ્લેન્ડમાં 1.28 ટકા લોકોને ચેપ લાગ્યો છે, જે આ મહિનાની શરૂઆતમાં નોંધાયેલા પ્રમાણ કરતાં બમણાથી વધારે છે. 86,૦૦૦ લોકોના સ્વેબથી મળેલા આંકડા દર્શાવે છે કે “ઇંગ્લેન્ડમાં રોગચાળાનું બીજુ મોજુ હવે એક નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે”.

જર્મની અને ફ્રાન્સે કડક પ્રતિબંધો લગાડ્યા છે. જર્મન ચાન્સેલર, એન્જેલા મર્કેલે, બાર, જીમ, થિયેટરો અને કોન્સર્ટ હોલ અને ખાનગી મેળાવડાઓ બંધ કરીને, મહત્તમ દસ લોકો અથવા બે ઘરો સુધીના લોકોને હળવા મળવા દેવાનું નક્કી કર્યું છે.