પ્રિન્સ ચાર્લ્સ (Photo by Ben A. Pruchnie - WPA Pool Getty Images)

પ્રિન્સ ચાર્લ્સે સોમવારે વૈશાખી નિમિત્તે યુકેમાં અને કોમનવેલ્થ દેશોમાં વસતા શીખ સમુદાયને વૈશાખી પર્વે “લાખ લાખ બધાઇયા” પહોંચાડવા માટે એક વિડિઓ સંદેશ આપ્યો હતો અને યુદ્ધોમાં બ્રિટીશ-શીખ સમુદાયની “નિ:સ્વાર્થ સેવા”ની પ્રશંસા કરી હતી.

‘’વાહેગુરુ જી કા ખાલસા… વાહે ગુરુ જી કી ફતેહ”ના નારા સાથે તેમણે જણાવ્યુ હતુ કે “આ પડકારજનક સમયમાં, શીખ સમુદાય આ દેશના જીવનમાં અને બીજા ઘણા લોકો માટે હંમેશની જેમ અસાધારણ અને અમૂલ્ય ફાળો આપી રહ્યો છે. યુકેમાં હોસ્પિટલોમાં કે અન્યત્ર નોંધપાત્ર કાર્યો દ્વારા શીખ સમુદાય સંકટની ઘડીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. સ્થાનિક સમુદાયો અને સૌથી સંવેદનશીલ લોકોને ગુરુદ્વારાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. પાંચ સદીઓ પહેલા ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી  હતી જેને શીખો સખત મહેનત, આદર અને નિસ્વાર્થ સેવા દ્વારા નાનક દેવજીના મૂલ્યોને મૂર્તિમંત બનાવે છે.’’

તેમણે વાયરસનો ભોગ બનેલા લોકોને અંજલિ આપી હતી. ટ્રફાલ્ગર સ્ક્વેર, લંડન, બર્મિંગહામના હેન્ડ્સવર્થ પાર્ક; લેસ્ટર, સાઉથૉલ અને ગ્રેવ્સએન્ડ ખાતે યોજાયેલા વૈસાખીની ઉજવણીના ઘણાં કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

શીખ સમુદાયના મૂલ્યોની તાકાત વધારે મજબૂત બનશે: રોબર્ટ જેન્રીક

કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે વૈશાખી પર્વનો સંદેશ આપતાં જણાવ્યુ હતુ કે ‘’આપણે શીખ નુતન વર્ષની શરૂઆતની નજીક છીએ ત્યારે હું બ્રિટન અને વિશ્વભરમાં ઉજવાઇ રહેલા વૈશાખી પર્વ પ્રસંગે દરેકને શુભેચ્છા પાઠવુ છું. આ વર્ષે વૈશાખીના તહેવારના ઉજવણી ખૂબ જ અલગ રીતે કરી રહ્યા છીએ. પરંતુ મને ખબર છે કે શીખ સમુદાયના લક્ષણો અને મૂલ્યોની તાકાત હવે પહેલા કરતા વધારે મજબૂત બનશે. મહત્વનું છે કે આપણે બધા નિયમોનું પાલન કરીએ અને ઘરે જ રહીએ જેથી આપણા એનએચએસનું રક્ષણ થશે અને લોકોના જીવ બચશે. એકબીજાને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી સૌની છે, પરંતુ આપણે માર્ગદર્શિકાઓનું પાલન કરવું ખૂબ જરૂરી છે.’’

તેમણે જણાવ્યુ હતુ કે ‘’હું જાણું છું કે ઘણા પરિવારો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ‘નગર કીર્તન’માં તેમના ઘરેથી ભાગ લઇ સ્વજનો સાથે ઉજવણી કરશે અને કોઈ એકલતા અનુભવે તેની કાળજી રાખશે. નવા વર્ષની શરૂઆત એ પણ ખૂબ જ સંવેદનશીલ લોકોને મદદ કરવા માટેનો સારો સમય છે અને હું તમારા બધાના ‘સેવા’ અને પ્રેરણાદાયી યોગદાન બદલ અહીંના શીખ સમુદાયનો આભાર વ્યક્ત કરું છું. વૈશાખી અને આગામી વર્ષની શુભકામનાઓ.’’