નિષ્ણાંતોએ સરકારને ચેતવણી આપી છે કે બ્રિટિશ એશિયન્સ કોરોનાના ચેપનો મોટા પાયે ભોગ બની રહ્યા છે ત્યારે સરકારે તેમની સ્થિતિ વિષે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કોરોના વાઈરસના કારણે આઇસીયુમાં સારવાર લઇ રહેલા ત્રીજા ભાગના દર્દીઓ એશિયન અને બ્લેક સમુદાયના છે અને મૃત્યુ પામેલા 19 NHS મેડિક્સમાંથી 10 પણ એશિયન અને બ્લેક સમુદાયના છે.
બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. ચાંદ નાગપૌલે સરકારને વિનંતી કરી છે કે તે ચેપગ્રસ્ત BAME જૂથોના જાનહાનિના આંકડા પાછળના તર્કની તપાસ કરે, કારણ કે BAME લોકો અને ડોકટરોમાં ચેપની અસર અપ્રમાણસર અને ગંભીર છે. તે તરફ સરકારે ધ્યાન આપવું પડશે. ભાષાના અવરોધોને કારણે ઘણા સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે પીપીઇના અભાવ અંગે અને BAME (બ્લેક, એશિયન માઈનોરિટી એથનિક) ડોકટરો ઘણીવાર બુલીઇંગ અને હેરેસમેન્ટનો ભોગ બને છે તેમ પણ જણાવ્યું હતુ.

કોરોનાગ્રસ્ત બ્રિટિશ એશિયન્સ પર સરકાર ખાસ ધ્યાન આપે
વંશીય લઘુમતીની ત્રણ પેઢીઓ સાથે રહેતી હોવાનુ કારણ પણ જવાબદાર છે. NHS અને કેર હોમમા કામ કરતા લોકોમાં મોટી સંખ્યામાં BAME સમુદાયના છે.
લેબર પાર્ટી પણ ગયા સપ્તાહે આ ઝુબંશમાં જોડાઇ હતી. લેબરના વિમેન અને ઇક્વાલિટી શેડો સેક્રેટરી માર્શા ડી કોર્ડોવાએ કોરોના વાઈરસના રોગચાળામાં મૃત્યુ પામેલા BAME ડોકટરોની અપ્રમાણસર સંખ્યા ખૂબ જ વિચલિત કરનારી છે તેમ જણાવી તાત્કાલિક તપાસના માંગણી કરી હતી.
બ્રિટીશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા અને મરણ પામેલા દર્દીઓ અંગેના તમામ સત્તાવાર ડેટાની ઝીણવટભરી તપાસ માટે હાકલ કરી વરિષ્ઠ અને નિવૃત્ત તબીબોને ફ્રન્ટલાઈન ફરજોથી દૂર રાખવા વિનંતી કરાઈ છે.
બાપિઓના અધ્યક્ષ ડો. રમેશ મહેતાએ લખ્યું હતુ કે “અમને સામાન્ય વસ્તીના પ્રમાણમાં BAME લોકોના મૃત્યુદરના મુદ્દાઓ વિશે વધુ માહિતીની જરૂર છે, જેથી અમે માંદા અને નબળા લોકોના જૂથોની ભાળ મેળવી શકીએ અને અમારા સંવાદમાં સચોટ રહી શકીએ.”
કોવિડ-19 સંબંધિત મૃત્યુથી સૌથી વધુ અસરગ્રસ્ત NHS ટ્રસ્ટ્સ યુનિવર્સિટી હૉસ્પિટલ્સ બર્મિંગહામ, એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ, લંડન નોર્થ વેસ્ટ યુનિવર્સિટી હેલ્થકેર અને લંડનની કિંગ્સ કૉલેજ હોસ્પિટલ છે. ત્યાં બ્રિટિશ એશિયન્સની વસ્તી વધુ પ્રમાણમાં છે. થિંક ટેન્ક રીઝોલ્યુશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર બ્રિટિશ સાઉથ એશિયન સમુદાયના 80 ટકા પરિવારોમાં વડિલો અને યુવા વયના લોકો સાથે રહે છે.
અમેરિકામાં જીવલેણ વાઈરસના કારણે 40થી વધુ ભારતીય અમેરિકનો અને ભારતના નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.
ન્યૂ યોર્ક દેશમાં વાઈરસનું કેન્દ્ર બન્યું છે અને ન્યૂયોર્ક તથા ન્યૂ જર્સીમાં ભારતીય અમેરિકનોની સૌથી વધુ વસ્તી છે. કોરોના વાઈરસ સામેની લડતમાં મૃત્યુ પામેલા લોકોમાં ઓછામાં ઓછા 17 કેરળના, ગુજરાતના 10, ચાર પંજાબ, બે આંધ્ર પ્રદેશ અને એક ઓડિશાના વતની છે. તેમાંના મોટાભાગના લોકોની વય 60 વર્ષથી વધુ છે. માત્ર એકની વય 21 વર્ષની હતી. ન્યૂ જર્સીમાં એક ડઝનથી વધુ ભારતીય અમેરિકનો મૃત્યુ પામ્યા છે અને તેઓ મોટે ભાગે જર્સી સિટી અને ઓક ટ્રી રોડના લિટલ ઇન્ડિયા વિસ્તારોના છે. એ જ રીતે, ન્યૂ યોર્કમાં ઓછામાં ઓછા 15 ભારતીય અમેરિકનોના મોત થયા હોવાના અહેવાલ છે.