જમ્મુસ્થિત કટરા પાસેના જાણીતા યાત્રાધામ માતા વૈષ્ણોદેવી ભવનમાં નવા વર્ષની મોડી રાત્રે ભાગદોડને કારણે 12 ભક્તોના મો થયા છે અને 14 જેટલા લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ દુર્ઘટના રાત્રે લગભગ પોણા ત્રણ કલાકે બની હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર પ્રાથમિક વિગતો એવી છે કે, કોઈ બાબતે વિવાદ વકરતાં ભક્તોએ અંદરોઅંદર એકબીજાને ધક્કા માર્યા હતા અને ત્યાર બાદ ભાગદોડ મચી ગઈ હતી. કટરા હોસ્પિટલના ડો. ગોપાલ દત્તે મૃતકઆંક અંગેની પૃષ્ટિ કરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નારાયણા હોસ્પિટલ લઈ જવાયા હતા અને પછી પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હતી. જાણવા મળ્યા મુજબ નવા વર્ષના પ્રસંગે શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને તે દરમિયાન અચાનક જ ભાગદોડ મચી ગઈ હતી. મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરના શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટના અંગે જાણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. વડાપ્રધાનના કહેવા પ્રમાણે તેમણે જમ્મુ કાશ્મીરના ગવર્નર મનોજ સિન્હા, ઉધમપુરના સાંસદ ડોક્ટર જિતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાય સાથે ફોન પર સ્થિતિની માહિતી મેળવી છે. ઘાયલોને તમામ સંભવિત સારવાર અને અન્ય મદદ આપવા સૂચના આપવામાં આવી છે.
મૃતકોના પરિવારજનોને પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રીલીફ ફંડમાંથી 2-2 લાખ રૂપિયા જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.