અમેરિકામાં મુસાફરી દરમિયાન એક શિક્ષિકાને અનોખી સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું. મીડિયા રીપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર શિકાગોથી આઇસલેન્ડની ફ્લાઇટમાં જઇ રહેલી એક શિક્ષિકાનો કોવિડ-19 ટેસ્ટ અડધે રસ્તે હવામાં પોઝિટિવ આવતા તેને ત્રણ કલાક વિમાનમાં આઇસોલેટ રહેવું પજ્યું હતું.
WABC-TVના રીપોર્ટ મુજબ મિશિગનની રહેવાસી શિક્ષિકા ટીચર મારિસા ફોટિયોએ જણાવ્યું હતું કે, તેને 19 ડિસેમ્બરે મુસાફરી દરમિયાન ગળામાં દુખાવો થયો હતો, એટલે તે કોરોનાનો રેપિડ ટેસ્ટ કરવા માટે બાથરૂમમાં ગયા હતા, જ્યાં તે પોઝિટિવ હોવાનું જણાયું હતું.
ફોટિયોએ ફ્લાઇટ ઉપડે તે પહેલા બે પીસીઆર ટેસ્ટ અને પાંચ જેટલા રેપિડ ટેસ્ટ કર્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા હતા. પરંતુ ફ્લાઇટમાં લગભગ દોઢ કલાક પછી ફોટીયોને ગળામાં તકલીફ થવા લાગી હતી.
તેમને ચક્કર જેવું લાગતા ટેસ્ટ કરી લેવાનું નક્કી કર્યું, જેથી સંતોષ થાય પરંતુ ટેસ્ટમાં તરત જ તેઓ પોઝિટિવ જણાયા હતા.
ફોટિયાએ બંને રસી અને બૂસ્ટર ડોઝ લીધા હોવા છતાં તેઓ પોઝીટીવ આવ્યા છે. તેઓ અશિક્ષિત લોકો સાથે વધુ કામ કરતા હોવાથી તેઓ વારંવાર પોતાના ટેસ્ટ કરતા હતા. જ્યારે ફ્લાઇટના બાથરૂમમાં તેમનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો ત્યારે તે ઘણા ગભરાઇ ગયા હતા.
ફોટીયોએ જણાવ્યું હતું કે, હું મારા પરિવાર બાબતે ચિંતિત હતી, કારણ કે મેં તેમની સાથે થોડા સમય પહેલા ભોજન લીધું હતું, હું વિમાનમાં બીજા લોકો અને મારા બાબતે પણ ચિંતિત હતી.
ફ્લાઇટ એટેન્ડન્ટે ફોટિયોને શાંત કરવામાં ઘણી મદદ કરી હતી. ફ્લાઇટ એટેન્ડન્ટે જણાવ્યું કે, જ્યારે આવું થાય ત્યારે તે એક માનસિક તણાવ ભરેલી ક્ષણ હોય છે, પરંતુ તે અમારા કામનો એક ભાગ જ હતો.
ફ્લાઇટ એટેન્ડન્ટે જણાવ્યું કે, તેમણે તેમની સીટ બીજીવાર બદલવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ એક જગ્યાએ એકલા બેસી રહે, પરંતુ ત્યારે વિમાનમાં તમામ સીટ ભરેલી હતી.
ફોટિયોએ જણાવ્યું હતું કે, જ્યારે એટેન્ડન્ટ જગ્યા શોધવા ગયા અને પરત આવીને જણાવ્યું કે, તેમને બેસવાની યોગ્ય બેઠક નથી મળી ત્યારે મેં બાથરૂમમાં રહેવાનું પસંદ કર્યું હતું. કારણ કે હું ફ્લાઇટમાં બીજા લોકો સાથે રહેવા ઇચ્છતી નહોતી.
પછી તેમણે બાથરૂમના દરવાજા પર એક ચિટ્ઠી ચોંટાડીને તેમાં લખ્યું હતું કે, ‘આઉટ ઓફ સર્વિસ’, અને ફોટિયોએ તેમની બાકીની મુસાફરી ત્યાં જ બેસીને પૂર્ણ કરી હતી.
અંતે જ્યારે વિમાન આઇસલેન્ડમાં લેન્ડ થયું ત્યારે ફોટિયો અને તેમનો પરિવાર સાથે છેલ્લે નીચે ઉતર્યા હતા. તેમના ભાઇ અને પિતામાં કોઇ લક્ષણ નહીં હોવાથી તેઓ તેમની કનેક્ટિંગ ફ્લાઇટથી સ્વિત્ઝર્લેન્ડ જઇ શકતા હતા. જ્યારે એરપોર્ટ પર ફોટિયોનો રેપિડ અને RT-PCR ટેસ્ટ કર્યા તો તે બંને પોઝિટીવ આવ્યા હતા.