વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા 10 કરોડની લૂંટ થઈ છે. લૂંટારાઓ કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને 8 કરોડના સોના સહિત 10 કરોડની લૂંટ ચલાવીને માત્ર 10 મિનિટમાં નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જિલ્લા સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી છે. લૂંટની વધારે વિગતો મેળવાઈ રહી છે.

વાપીના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટના પહેલા માળે IIFL ગોલ્ડ લોન બેંકમાં આજે સવારે પોણા 10 વાગ્યાની આસપાસ એક બાદ એક 6 જેટલા બુકાનીધારી ઘૂસ્યા હતા. બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો બતાવી કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને બંધક બનાવ્યા હતા. લોકરની ચાવીઓ લઈ લોકર ખોલી અંદર રહેલું આશરે 8 કરોડથી વધુનું સોનું લૂંટીને તમામ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

ઘટનાને પગલે એસપી તેમજ વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આશરે 10થી 15 મિનિટમાં જ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટારૂઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તેમજ આસપાસના પાડોશી રાજ્યોની નાકાબંધીની જાણ કરવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.