ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત સામેની પરાજય સાથે ઓસ્ટ્રેલિયન ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. એ સાથે જ સ્ટીવન સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ જાહેરાત કરી હતી.
પેટ કમિન્સની ગેરહાજરીમાં સુકાનીપદ સંભાળી રહેલા સ્મિથે ગયા સપ્તાહે મંગળવારે પ્રથમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય થયા પછી પોતાના સાથી ખેલાડીઓને કહ્યું હતું કે તે પોતાની છેલ્લી વન-ડે મેચ રમી ચૂક્યો છે.
સ્મિથનો ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમમાં થોડા સમયથી સમાવેશ કરાતો નથી, તો તે ટેસ્ટ ક્રિકેટ રમતો રહેશે. વન-ડે ઈન્ટરનેશનલ્સમાં સ્મિથ ઓસ્ટ્રેલિયા તરફથી 169 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 12 સદી અને 34 અડધી સદી સાથે 43.06ની એવરેજથી 5727 રન કર્યા હતા.
