(PTI Photo)

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સોમવાર, 22 જુલાઇએ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના હોદ્દા પરથી અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખડનો પાંચ વર્ષનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના રોજ સમાપ્ત થતો હતો, પરંતુ તેમને વહેલા રાજીનામા આપી દેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યાં હતાં. તેઓ 11 ઓગસ્ટ 2022ના આ પદ પર નિયુક્ત થયા હતાં. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલાં તેઓ જુલાઈ 2019થી જુલાઈ 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા એક પત્રમાં તેમણે નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરીને તાકીદની અસરથી રાજીનામાની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતાં.

74 વર્ષીય ધનખડે રાજીનામા પત્રમાં લખ્યું હતું કે હું માનનીય વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટનો પણ આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાનનો સહયોગ મારા માટે ખૂબ મૂલ્યવાન રહ્યો છે. હું આ મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મળેલા અમૂલ્ય અનુભવો અને જ્ઞાન માટે અત્યંત આભારી છું.આ મહત્ત્વપૂર્ણ સમયગાળામાં ભારતની અભૂતપૂર્વ આર્થિક પ્રગતિ અને અસાધારણ વિકાસના સાક્ષી બનવું અને તેમાં સહભાગી થવું મારા માટે ગર્વ અને સંતોષની બાબત રહી છે. આપણા રાષ્ટ્રના આ પરિવર્તનકારી યુગમાં સેવા આપવી મારા માટે સાચું સન્માન રહ્યું છે.

નિયમો મુજબ, ઉપરાષ્ટ્રપતિ પદ માટે આગામી છ મહિનાની અંદર ચૂંટણીઓ યોજવી પડે છે. જોકે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી સંભાળી શકે છે.કોંગ્રેસે મંગળવારે દાવો કર્યો હતો કે જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવા પાછળના કારણો તેમના દ્વારા જણાવવામાં આવેલા સ્વાસ્થ્ય સમસ્યાઓ કરતાં “ઘણા ઊંડા” છે.

LEAVE A REPLY