ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી. (ફાઇલ ફોટો Getty Images)

વિજય રૂપાણી 7 ઓગષ્ટ 2016માં આનંદીબહેન પટેલના અનુગામી તરીકે ગુજરાતના 16માં મુખ્યપ્રધાન બન્યાં હતા. રૂપાણીએ પાંચ વર્ષ અને 35 દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે શાસન કર્યું છે. 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂન શહેરમાં રૂપાણીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી છે.

રમણિકલાલ પરિવાર સાથે 1960માં બર્માને છોડીને હંમેશાને માટે ભારત આવ્યા પછી તેઓ ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા હતા. વિજય રૂપાણી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સભ્ય બન્યા પછી વિજય રૂપાણીનું જીવન સાર્વજનિક બન્યું હતું, આ પછી તેઓ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત્ 1971 વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. વિજય રૂપાણી 1978 વર્ષથી 1981 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતા. 1987 વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા હતા.

તેમણે 1996 થી 1997 સુધી રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું છે. 2006 થી 2012 દરમ્યાન રૂપાણી રાજ્યસભાના સભ્ય હતા.

19 ફેબ્રુઆરી 2016 ના રોજ વિજય રૂપાણી ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બન્યા હતા. 2014ના ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાના સ્પીકર પદેથી વજુભાઇ વાળાએ પશ્ચિમ રાજકોટની બેઠક પરથી રાજીનામું આપ્યું ત્યારે વિજય રૂપાણી પેટાચૂંટણી લડયા હતા. તેઓ 19મી ઓક્ટોબર 2014માં ધારાસભ્ય પદે ચૂંટાઇ આવ્યા હતા અને ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા.