(ANI Photo)

ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે ગેરકાયદેસર મદરેસા અને તેની બાજુમાં આવેલી મસ્જિદને તોડી પાડવાને લઈને થયેલી વ્યાપક હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને 250 લોકો ઘાયલ થયા હતા. પોલીસ સ્ટેશનની બહાર અનેક વાહનોને આગ ચાંપી દેવાતાં હિંસા વધી હતી. શહેરમાં કર્ફ્યુ  લાદવામાં આવ્યો હતો અને તોફાનીઓ સામે શૂટ-એટ-સાઇટના ઓર્ડર જારી કરાયા હતાં. ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરાઈ હતી.

કોર્ટના આદેશને પગલે પોલીસ ફોર્સની તૈનાતી સાથે સરકારની ટીમ ગેરકાયદે મદરેસા પર બુલડોઝર ફેરવવા ગઈ ત્યારે મુસ્લિમોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. આ પગલાનો હલ્દવાનીના વાનભૂલપુરા વિસ્તારના રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ અથડામણમાં 50થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયાં હતાં, જેમાં ઘણા સરકારી અધિકારીઓ, મ્યુનિસિપલ કામદારો અને પત્રકારો પણ સામેલ હતા. અસામાજિક તત્વોએ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટીયરગેસ છોડીને ટોળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ભારે પોલીસ અને પ્રાંતીય આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC)ની હાજરી સાથે ડિમોલિશન હાથ ધર્યું હતું, જેનો હેતુ મદરેસા અને મસ્જિદ દ્વારા કથિત રીતે અતિક્રમણ કરાયેલી સરકારી જમીનને ખાલી કરવાનો હતો. ડિમોલિશનની કાર્યવાહી કોર્ટના આદેશને પગલે હાથ ધરાઈ હતી. બુલડોઝર દ્વારા બાંધકામોને તોડી પાડવામાં આવતા, મહિલાઓ સહિત રોષે ભરાયેલા રહેવાસીઓ વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ હતી. ટોળાએ પછી પોલીસ, મ્યુનિસિપલ કામદારો અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતી. 20થી વધુ મોટરસાયકલ અને એક સુરક્ષા બસને સળગાવી દેવામાં આવી હતી.

રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ ડિમોલિશન કરવા માટે એક ટીમને વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિસ્તારમાં “અસામાજિક તત્વો”એ પોલીસ સાથે અથડામણ કરી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે  વધારાની પોલીસ અને કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે.

સાવચેતીના પગલા તરીકે, સમગ્ર હલ્દવાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે; અસરગ્રસ્ત વિસ્તારોમાં દુકાનો અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને “અરાજક તત્વો” સાથે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY

2 × 2 =