ધારાસભ્ય
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરીની બહાર પશુપાલકોના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત 1,000 લોકો સામે કેસ દાખલ કરાયો હતો. હિંસક વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં પોલીસે 47 લોકોની ધરપકડ કરી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય લોકોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા હતાં. તેઓ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અથવા સાબર ડેરીના ડિરેક્ટર પણ છે.

પશુપાલકોએ દૂધ ખરીદીના ભાવમાં વધારો કરવાની માગણી સાથે દેખાવો કર્યા હતાં. દેખાવકારોએ એ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ડેરીના મુખ્ય દરવાજાને નુકસાન પહોંચાડ્યું હતું. પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા અને ચાર પોલીસ વાહનોને નુકસાન થયું હતું. પોલીસે ટોળાને વિખેરવા માટે લગભગ 50 ટીયરગેસના શેલ છોડ્યા હતાં. 14 જુલાઈના રોજ સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે, અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા.

LEAVE A REPLY